• રવિવાર, 08 માર્ચ, 2026

ભુજમાં દારૂની ધંધાર્થી મહિલાનો 5.07 લાખનો શરાબ જપ્ત

ભુજ, તા. 7 : શરાબની ધંધાર્થી મહિલા નેહાબેન અક્ષયભાઇ લાખાણીએ જ્યુબિલી સર્કલ પાસેના એપાર્ટમેન્ટમાં ફ્લેટ ભાડે લઇ તેમાં શરાબનો જથ્થો રાખી ગેરકાયદે વેચાણ કરતી હોવાની બાતમીનાં પગલે એલસીબીએ દરોડો પાડી રૂા. 5,07,590નો શરાબનો જથ્થો જપ્ત કર્યો હતો. જો કે, દરોડા દરમ્યાન આરોપી મહિલા હાજર મળી આવી ન હતી. આ અંગે એલસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ પી.એસ.આઇ. એમ.એચ. શીણોલ, એ.એસ.આઇ. અનિરુદ્ધસિંહ રાઠોડ, નીલેશભાઇ ભટ્ટ, હે.કો. ધર્મેન્દ્ર રાવલ, નવીનકુમાર જોશી, શક્તિસિંહ ગઢવી, જીવરાજભાઈ ગઢવી, સુનીલકુમાર પરમાર પેટ્રોલિંગમાં હતા, ત્યારે જ્યુબિલી સર્કલ પાસે આવતાં ખાનગી બાતમી મળી હતી કે, પ્ર્રમુખસ્વામીનગરમાં રહેતા નેહાબેન લાખાણીએ આઇયા એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર લિફટની પાછળના ભાગે એક ફલેટ ભાડે લઇને તેમાં ગેરકાયદે રીતે બહારથી વિદેશી પ્રકારનો ભારતીય બનાવટનો શરાબનો જથ્થો લઇ ત્યાં રાખીને ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે. આ બાતમીનાં પગલે ફલેટ ઉપર દરોડો પાડીને શરાબની નાની-મોટી કુલ 186 બોટલ જેની કિં. રૂા. 5,07,590 મળી આવી હતી, જ્યારે આરોપી નેહાબેન લાખાણી હાજર મળ્યા ન હતા. એ-ડિવિઝન પોલીસ મથકે આ અંગે ગુનો દાખલ કરાવી કાર્યવાહી કરી આરોપીને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે. નેહાબેન લાખાણી વિરુદ્ધ અગાઉ ગત વર્ષે જ શરાબને લગતા બે ગુના એ-ડિવઝન પોલીસ મથકે નોંધાઇ ચૂક્યા છે. 

Panchang

dd