મહાવિકાસ આઘાડીએ પોતાના હિસ્સાની રાજ્યસભાની એકમાત્ર બેઠક માટે
આખરે ખેંચતાણ ટાળી, મહારાષ્ટ્રના
રાજકારણના ચાણક્ય અને આઘાડીના શિલ્પકાર 85 વર્ષના શરદચંદ્ર પવારનાં નામ પર સહમતી સાધી. છેલ્લી ઘડીએ પવારે
ચૂંટણી લડવાનો નિર્ણય જાહેર કરતાં ઉદ્ધવસેનાએ આ બેઠક પરનો દાવો જતો કર્યો હતો. જો કે, પક્ષના પ્રવક્તા સંજય રાઉત શરૂઆતથી જ પવારના
નામની માળા જપી રહ્યા હતા, પણ આદિત્ય ઠાકરેએ આ બેઠક પર અમારો
અધિકાર છે, એવો રાગ સતત આલાપ્યો હતો. આઘાડીના ત્રીજા ઘટક પક્ષ
કોંગ્રેસને આ બેઠક જોઈતી હતી, કેમ કે, રાષ્ટ્રવાદી
કોંગ્રેસના બે તડા એક થવાની ચર્ચા-હિલચાલ હતી. ભાજપે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું હતું
કે, શરદ પવાર ઉમેદવારી કરશે તો મહારાષ્ટ્રના ક્વોટાની સાતમી બેઠક
પર અમે ઉમેદવાર નહીં ઊભો રાખીએ. શરદ પવારની ઉમેદવારીની જાહેરાત સાથે જ રાષ્ટ્રવાદી
કોંગ્રેસ (શપ)ના વરિષ્ઠ નેતા જયંત પાટિલે બંને રાષ્ટ્રવાદીનું એકીકરણ નહીં થાય એવું
કરેલું નિવેદન કોંગ્રેસ સાથેની ડીલના ભાગરૂપે જ છે. પવારનું બિનહરીફ ચૂંટાવું નક્કી
છે, પણ તેમને ઉમેદવારી માટે રાજી કરવાથી લઈને ઉદ્ધવ ઠાકરે સાથે
ચર્ચા અને કોંગ્રેસ હાઈ કમાન્ડનો સંપર્ક કરવામાં સુપ્રિયા સુળેએ પહેલ કરી હતી. આમ,
પવારના સ્થાન અને માન સાથે શાન પણ જળવાઈ છે. વિમાન અકસ્માતમાં અજિત પવારનાં
અવસાન પહેલાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓમાં કાકા-ભત્રીજાના પક્ષોએ ગઠબંધન
કર્યું હતું. એ પછી બંને પક્ષ વચ્ચે એકતાની વાતોએ જોર પકડયું. જો કે, આ એકીકરણમાં કયા પક્ષનું વિલય કઈ પાર્ટીમાં થશે, એ વાત
મભમ હતી. એવી વાતો ચગાવાઈ કે શરદ પવાર એનડીએમાં જોડાશે. અજિત પવારનાં અકાળ અવસાન પછી
સિનિયર પવાર કંઈક સોગઠી રમે એ પહેલાં જ સુનેત્રા પવારને નાયબ મુખ્ય પ્રધાનપદના શપથ
લેવડાવી ભાજપે શરદ પવારને ગેમ કરવાની તક જ ન આપી. કોંગ્રેસનો વિરોધ રાજ્યસભા માટે પવારનાં
નામ પર એક કારણસર જ હતો કે, તેઓ એનડીએમાં જોડાય તો સામે ચાલીને
નાક કાપી તાસક પર ધરી દેવા જેવું થાય. હવે, આમાં ખરેખર પવારની
ગેમ કઈ હતી, એ સમજવાનું ગજું મહાવિકાસ આઘાડીમાં કોઈની પાસે છે
ખરું? હવે, 16મી માર્ચ પછી પવાર પરિવારની ત્રણ પેઢી સંસદના ઉપલા ગૃહમાં એકસાથે
જોવા મળી શકે છે. સુપ્રિયા સુળે પહેલાંથી જ રાજ્યસભાનાં સાંસદ છે અને મહાયુતિના ઘટક
પક્ષ તરીકે રાષ્ટ્રવાદીના ફાળાની એક સીટ માટે પાર્થ પવારનું નામ આગળ કરાશે. વળી, પાર્થનાં માતા સુનેત્રાની રાજ્યસભા બેઠક પણ
ખાલી પડવાની હોવાથી પાર્થ સ્વાભાવિક પસંદગી પણ બને છે. આ બધી ખેંચતાણમાં પ્રિયંકા ચતુર્વેદીનો
ભોગ લેવાઈ ગયો છે. કોંગ્રેસ છોડી શિવસેનામાં આવેલાં ચતુર્વેદીની ટર્મ પણ પૂરી થાય છે,
પણ તેની ઉમેદવારીને કોંગ્રેસે માન્ય ન રાખી હોત. ઉદ્ધવ ઠાકરેને રાજ્ય
વિધાન પરિષદમાં આઘાડીની ઉમેદવારી આપવાનું સાટું પવાર વાળશે જ.