• રવિવાર, 08 માર્ચ, 2026

તૃણમૂલે બધી હદ પાર કરી : મોદી

સિલીગુડી, તા. 7 : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના પશ્ચિમ બંગાળ પ્રવાસમાં વિવાદ સર્જાયો છે. રાષ્ટ્રપતિ જ્યારે રાજ્યમાં પહોંચ્યા ત્યારે નિયત પ્રોટોકોલ મુજબ મુખ્યમંત્રી કે અન્ય કોઈ મંત્રી આવકારવા હાજર ન હતા અને કાર્યક્રમનું સ્થળ પણ નાનું હોવાથી રાષ્ટ્રપતિ નારાજ થયા હતા. દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તૃણમૂલ સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે, રાષ્ટ્રપતિ સાથે થયેલો વ્યવહાર શરમજનક છે અને તે લોકતંત્ર અને આદિવાસી સમુદાયના સન્માનને ઠેસ પહોંચાડનારો છે. રાષ્ટ્રપતિ મુર્મું નવમી આંતરરાષ્ટ્રીય સંથાલ પરિષદમાં ભાગ લેવા પશ્ચિમ બંગાળ પહોંચ્યાં હતાં, જ્યાં તેમણે પરિષદનાં સ્થળ અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને આ મુદ્દા પર રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનરજી પર કટાક્ષ કર્યો હતો. આ  પરિષદ સિલીગુડીના ફાંસીદેવા ક્ષેત્રમાં યોજવામાં આવી હતી. પીએમ મોદીએ ટ્વિટમાં જણાવ્યું હતું કે, આ ઘણી શરમજનક ઘટના છે, જે લોકો લોકતંત્ર અને આદિવાસી સમુદાયના સશક્તિકરણમાં વિશ્વાસ રાખે છે તે સૌ આઘાત અને નિરાશામાં છે. પ. બંગાળની તૃણમૂલ સરકારે બધી હદ પાર કરી છે. રાષ્ટ્રપતિના આ અપમાન માટે રાજ્ય સરકાર જવાબદાર છે. રાષ્ટ્રપતિનું પદ રાજનીતિથી ઉપર હોય છે અને આ પદની ગરિમાનું હંમેશાં સન્માન થવું જોઈએ એમ વડાપ્રધાને જણાવ્યું હતું. રાષ્ટ્રપતિએ કહ્યું કે, પરિષદ માટે જે સ્થળ પસંદ કરવામાં આવ્યું તે ઘણું નાનું હતું, જેના કારણે મોટી સંખ્યામાં સંથાલ સમુદાયના લોકો કાર્યક્રમમાં ભાગ લઈ શક્યા ન હતા. તેમણે કહ્યું કે, આ જગ્યાએ પાંચ હજાર લોકો માટે પણ પૂરતી જગ્યા ન હતી. સંથાલ પરિષદ બાદ રાષ્ટ્રપતિ એક અન્ય કાર્યક્રમમાં ભાગ લેવા માટે વિધાનનગર મેદાન ગયાં હતાં, જ્યાં મેદાનનો આકાર જોઈ તેમણે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું કે, અહીં તો લાખો લોકોના આવવાની ક્ષમતા છે. જો સંથાલ કોન્ફરન્સનું આયોજન મોટા મેદાન પર કરાયું હોત તો પાંચેક લાખ લોકો તેમાં સામેલ થઈ શક્યા હોત. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, જો આટલું મોટું મેદાન ઉપલબ્ધ હતું તો કોન્ફરન્સ માટે નાની જગ્યા શા માટે ફાળવવામાં આવી હતી. રાષ્ટ્રપતિએ સીએમ મમતા બેનરજીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, મમતા તેમના માટે નાના બહેન જેવાં છે. મને નથી લાગતું કે મમતા મારાથી નારાજ હોય. આમ છતાં સમજાતું નથી તેમણે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ માટે સાવ નાની જગ્યા શા માટે ફાળવી હતી. 

Panchang

dd