• રવિવાર, 16 જૂન, 2024

ભચાઉમાં ધોળા દિવસે મકાનનાં તાળાં તોડી અડધા લાખની તસ્કરી

ગાંધીધામ, તા. 20 : ભચાઉના ફૂલવાડી વિસ્તારમાં આવેલા એક બંધ મકાનનાં ધોળા દિવસે તસ્કરોએ તાળાં તોડયાં હતાં. મકાનમાંથી રૂા. 47,000ના દાગીના, રોકડ?રકમની તફડંચી કરવામાં આવી હતી. ભચાઉના ફૂલવાડી વિસ્તારમાં રહેતા અને શહેરમાં એસ માર્ટ નામનો મોલ ચલાવતા મયૂર નવીન ચાવડાનાં  મકાનમાં તસ્કરોએ હાથ માર્યો હતો. ગત તા. 11/5ના ફરિયાદી અને તેમના પત્ની આશાબેન બપોરના અરસામાં બહાર ગયા હતા અને ફરિયાદી મોલ ઉપર ગયા હતા, જ્યારે તેમના પત્ની પરત આવતાં તેમનાં બંધ મકાનના રસોડાનો દરવાજો ખુલ્લો જણાતાં તેમણે પોતાના પતિને ફોન કરતાં તે પોતાનાં ઘરે દોડી આવ્યા હતા. મકાનના મુખ્ય દરવાજાનાં તાળાં તોડી અંદરથી મતાની ચોરી કરનારા તસ્કરોએ અંદરથી મુખ્ય દરવાજો બંધ કરી નાખ્યો હતો અને બાદમાં રસોડાના દરવાજા ખોલીને નાસી ગયા હતા. ધોળા દિવસે અંદર ઘૂસેલા તસ્કરોએ કબાટ અને તિજોરીનાં ખાનાં તોડી તેમાંથી રોકડ રૂા. 15,000 તથા ચાર ગ્રામની સોનાની લેડિઝ વીંટી, ચાંદીનું મંગળસૂત્ર તથા બે જોડી ચાંદીના સાંકડા એમ કુલ રૂા. 47,000ની મતાની ચોરી કરીને નાસી ગયા હતા. ધોળા દિવસે તાળાં તૂટયાના બનાવથી લોકોમાં ભારે નારાજગી પ્રસરી હતી તેમજ ભયની લાગણી પ્રસરી હતી. નવેક દિવસ અગાઉ બનેલા બનાવ અંગે પોલીસે આજે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang