ભુજ, તા. 15 : તાલુકાનાં કુકમા ગામથી
આગળ અંજાર ધોરીમાર્ગ પર આવેલા કુકમા ટોલનાકા નજીક આજે સવારે કાર અને પિકઅપ ગાડી વચ્ચે
ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે, બંને વાહનનો આગળથી બુકડો બોલી ગયો
હતો. આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ, અંજાર તરફ જઈ રહેલી કાર
અને પિકઅપ વચ્ચે જોરદાર ટક્કર થતાં ચાર વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ હતી. અકસ્માત બાદ આસપાસના
લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રાહત તથા બચાવની કામગીરી હાથ ધરી હતી. ઘટનાની જાણ
થતાં 108 ઇમર્જન્સી સેવા તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ઇજાગ્રસ્તોને
પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન, ઇજાગ્રસ્તોમાંથી એક વ્યક્તિને વધુ
ગંભીર ઇજા પહોંચી હોવાનું પણ જાણવા મળ્યું છે. અકસ્માતને પગલે હાઈ-વે પર થોડા સમય માટે
વાહનવ્યવહાર ખોરવાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને અકસ્માતનાં
કારણોની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.