ભુજ, તા. 12 : આખરે કચ્છના પોસ્ટલ ડિવિઝનના
ભાગલા થઇ ગયા છે. કેન્દ્રના પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા અલગ ગાંધીધામ ડિવિઝનની સત્તાવાર
સૂચના જારી કરી દેવાઈ છે. ડાક વિભાગે ગુજરાતમાં અનેક વહીવટી ફેરફારના નિર્ણયો જાહેર
કર્યા છે, જેમાં હાલના એક કચ્છ ડિવિઝનના બે ભાગ પાડી અલગ
ગાંધીધામ ડિવિઝનનો નિર્ણય પણ સામેલ છે. એ ઉપરાંત ભુજ પશ્ચિમ અને ભુજ પૂર્વ સબ ડિવિઝનને
મર્જર કરી એક જ ભુજ સબડિવિઝન, નખત્રાણામાંથી અલગ કરી નલિયા સબડિવિઝન,
ભચાઉમાંથી અલગ કરી રાપર સબડિવિઝનનો પણ નિર્ણય લેવાયો છે. એ ઉપરાંત નવા
સુરત રિજન, અમદાવાદ હેરિટેજ સિટી પોસ્ટલ ડિવિઝન સહિતના પણ મહત્ત્વના
નિર્ણયો લેવાયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કચ્છમાં બે ડિવિઝન થયા બાદ વધારાનો મોટો
સ્ટાફ ફાળવવામાં આવશે નહીં પણ બે-ત્રણ જગ્યા પર કદાચ નવી નિમણૂક થશે. કચ્છ ભૌગોલિક
રીતે બહુ મોટો જિલ્લો હોવાથી બે ડિવિઝનને લીધે વહીવટમાં સાનુકૂળતા રહેશે.