ભુજ, તા. 12: ભાજપ અને કોંગ્રેસના મહિલાઓ
સહિતના કાર્યકરો સામસામે આવી જતાં આજે વાવટા અને સૂત્રોચ્ચાર સાથે વાતાવરણ ઉગ્ર બન્યું
હતું. અણસાર પામી ગયેલા મહિલા સહિતના પોલીસ
કાફલાએ બન્ને જૂથ્થોને અટકાવવાના પ્રયાસો આદરી મામલો બિચકાતો રોક્યો હતો. વિવાદને
પગલે શહેર સહિત જિલ્લાભરમાંથી વિગતો જાણવા એક તરફ ઉત્કંઠા જાગી હતી, તો રાજકીય પક્ષોના અગ્રણીઓએ સામસામે આક્ષેપબાજી
કરી હતી. કાર્યકરોમાં રોષ પરાકાષ્ટાએ દેખાયો હતો. કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા પ્રદેશની
સૂચનાથી `કોંગ્રેસ તથા રાહુલ ગાંધીના વિરોધમાં ધરણા
અને વિરોધ પ્રદર્શન'નું ન્યૂ સ્ટેશન
રોડ સ્થિત કોંગ્રેસ કાર્યાલય સામે આયોજન કરતાં સૌ ચૂંટાયેલા મહિલા સદસ્યો તથા કાર્યકર્તાઓ,
હોદ્દેદારો સાથે નીકળ્યા હતા, તો સામે પક્ષે કચ્છ
જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા `મુખ્ય ચૂંટણી અધિકારી હટાવો દેશ બચાવો'ના નારા સાથે ભીડનાકાથી જિલ્લા અધ્યક્ષ વી. કે.
હુંબલ સહિતના અગ્રણીઓ સાથે રેલી નીકળી હતી. દરમ્યાન,
કોંગ્રેસી સાંસદ બિમોલ અકોઈજમ સામે મહિલાઓના ઉત્પીડનના મામલે કાર્યવાહી
કરવાને બદલે રાહુલ ગાંધી દ્વારા તેમને છાવરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સાથે પ્રદેશ
મહિલા મોરચા સાથે સંકલન અન્વયે કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા જિલ્લા ભાજપ મહિલા
મોરચાના અધ્યક્ષ પારુલબેન કારાની આગેવાની હેઠળ કચ્છ કોંગ્રેસ કાર્યાલય સામે ધરણા પ્રદર્શન
યોજાયું હતું. આ ધરણા પ્રદર્શનમાં જિલ્લા ભાજપના મહિલા હોદ્દેદારો, મહિલા મોરચાના બહેનો તેમજ નગરપાલિકાના મહિલા નગરસેવકો આશિકાબેન ભટ્ટ,
રેશ્માબેન ઝવેરી, કંચનબેન વાઘેલા, પારસબા જાડેજા, વૈભવીબેન ગોર, બિંદિયાબેન
ઠક્કર, હસ્મિતાબેન ગોર, કંકુબેન ચાવડા,
સાવીબેન જાટ, મનીષાબેન સોલંકી, રસિકબા કેસરિયા, બીનાબેન ભાનુશાલી, વંદનાબેન પરમાર, બિંદીબેન ભાટી, રચનાબેન શાહ, નીતાબેન ઠક્કર, નીતાબેન
પટેલ, માનસીબેન શાહ સહિત જોડાયાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ
સાત્ત્વિકદાન ગઢવી અને સહઇન્ચાર્જ ચેતનભાઈ કતિરાની સંયુક્ત યાદીમાં જણાવાયું હતું.
દરમ્યાન, ધરણામાં જોડાયેલી ભાજપ મહિલા મોરચાની બહેનોએ પ્રતિસ્પર્ધી
કાર્યકર્તાઓ તરફ છૂટી બોટલો ફેંકીને નારીશક્તિનું અપમાન કરાયાનો આક્ષેપ મૂક્યો હતો. ભારતના ચૂંટણીપંચમાં ચાલી રહેલી ગંભીર અનિયમિતતાઓ, સંસ્થાકીય કબજો અને લોકશાહી વિરોધી કામગીરીના
આક્ષેપ સાથે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રમુખ વી.કે. હુંબલની આગેવાની હેઠળ
સૂત્રોચાર દ્વારા વિરોધ રેલીનું આયોજન ભીડનાકા બહાર ભુજથી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા
સુધી આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આજે સમગ્ર દેશમાં કોંગ્રેસ
પક્ષ દ્વારા ચૂંટણી કમિશનરના વિરોધમાં આંદોલન ચાલી રહ્યું છે, તેમણે ભાજપ પર આક્ષેપો કર્યા હતા, એવું પ્રવક્તા અંજલિ
ગોરની યાદીમાં જણાવાયું હતું.