નવી દિલ્હી, તા.12 : ટી20 સૌથી વધુ છગ્ગા ફટકારવાની બાબતમાં
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે લાંબા સમયથી ગળાકાપ સ્પર્ધા ચાલી રહી છે, જેમાં ક્યારેક વિન્ડીઝ તો ક્યારેક ટીમ ઇન્ડિયા
મોખરે રહે છે. ઇન્દોરના હોળકર સ્ટેડિયમ ખાતે બન્ને ટીમ વચ્ચે રમાયેલી હાઇ-સ્કારિંગ
મેચમાં કુલ 21 છગ્ગા નોંધાયા
હતા, જેમાં ભારતીય બેટ્સમેનોએ 8 અને કેરેબિયન પાવર-હિટર્સે 13 છગ્ગા ફટકાર્યા હતા. જેના કારણે
વેસ્ટ ઇન્ડિઝ ટી20 આંતરરાષ્ટ્રીય
ક્રિકેટના ઇતિહાસમાં 2000 છગ્ગાનો જાદુઈ
આંકડો પાર કરનારી વિશ્વની સર્વપ્રથમ ટીમ બની ગઈ છે. આ મુકાબલો શરૂ થયો તે પૂર્વે કેરેબિયન
ટીમના ખાતામાં 1997 છગ્ગા બોલતા હતા. ભારતના 223 રનના મજબૂત સ્કોર સામે વળતો
પ્રહાર કરતી વખતે વિન્ડીઝના બેટ્સમેનોએ 13 છગ્ગા ફટકારીને પોતાની સિક્સર સંખ્યા 2010 પર પહોંચાડી દીધી હતી. બીજી
તરફ, ભારતીય ટીમ 1997 છગ્ગા સાથે આ યાદીમાં બીજા
સ્થાને મક્કમતાથી ઊભી છે. હાલ બન્ને ટીમ વચ્ચે માત્ર 13 છગ્ગાનો નજીવો તફાવત રહ્યો
છે, જ્યારે ત્રીજા ક્રમે રહેલું ન્યુઝીલેન્ડ 1585 છગ્ગા સાથે આ બન્ને પાવરહાઉસ
કરતાં ઘણું પાછળ છે. આ આંકડા સ્પષ્ટપણે સાબિત કરે છે કે આધુનિક ક્રિકેટમાં પાવર-હાટિંગના
મામલે ભારત અને વિન્ડીઝ સામે અન્ય કોઈ ટીમ ટકી શકતી નથી. હવે ક્રિકેટપ્રેમીઓની નજર 14 ઓક્ટોબરે હૈદરાબાદના રાજીવ
ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાનારા ચોથા ટી20 મુકાબલા પર ટકેલી છે. ટીમ ઇન્ડિયા પાસે આ મેચમાં માત્ર 3 છગ્ગા ફટકારીને 2000 સિક્સર ક્લબમાં સામેલ થનારી
વિશ્વની બીજી ટીમ બનવાની સુવર્ણ તક છે. જો હૈદરાબાદની બાટિંગ-ફ્રેન્ડલી પીચ પર ભારતીય
બેટ્સમેનોનું તોફાન જોવા મળશે તો વેસ્ટ ઇન્ડિઝને પછાડીને ફરી એકવાર સિક્સર કિંગનો તાજ
પુન: પ્રાપ્ત કરવાની પૂરી સંભાવના છે.