માતાના મઢ (તા. લખપત), તા. 12 : વંદન વંદન
આશાપુરા માતને, ડાક વાગે ઘેરી ઘેરી,
ચોસઠ બેની રમે ભેરી સહિતના પ્રસિદ્ધ ગરબાની રચના કરનારા ભક્ત કવિ સ્વ.
ચંદુભાઇ રતનસિંહ જાડેજા રચિત પ્રસાદી ગરબાવલિ ભાગ-2નું વિમોચન માતાના મઢમાં ઘટસ્થાપન પહેલાં
મઢ જાગીરના અધ્યક્ષ રાજાબાવા યોગેન્દ્રસિંહના હસ્તે કરાયું હતું. આ પુસ્તક કચ્છની તમામ
ગરબી મંડળોને મઢ જાગીર ટ્રસ્ટ તરફથી માતાજીની પ્રસાદીરૂપે અપાશે. માંડવી તાલુકાના મેરાઉ
ગામે તા. 10/7/1925ના જન્મેલા ચંદુભા આસો સુદ
ત્રીજના નોરતે મુલુંડમાં મિત્રોની ઉપસ્થિતિમાં હાર્મોનિયમ પર માતાજીના ગરબા ગાઇ રહ્યા
હતા ત્યારે તા. 7/10/1986ના દેહાંત પામ્યા હતા. આજે
ત્રીજા નોરતે તેમની પુણ્યતિથિ છે. માતાજી પ્રત્યેના ભાવને સાક્ષી રાખી આત્મીયતાથી ગરબાની
રચના કરી હતી. તેમના પ્રસાદી નામક પુસ્તકમાં ગરબા,
છંદ, દુહા, માતાજીની સ્તુતિ
લખવામાં આવી છે. આ પુસ્તકમાં મા અંબે, મા પાવાગઢવાળી,
મહાકાળી અને મા આશાપુરાના અનેક ગરબાની રચના કરી છે, જે વર્ષો બાદ પણ લોકમુખે કચ્છના ગામડાઓની ગરબીમાં ગવાય છે. સ્વ. નારાણ બાપુ,
હેમંત ચૌહાણ, કીર્તિદાન ગઢવી, ઓસમાણ મીર, ઉમેશ બારોટ, નીલેશ ગઢવી
સહિતના ખ્યાતનામ ગાયકો તેમના રચિત ગરબા, છંદ, દુહા, સ્તુતિ અને ભજન અનેક વખત ગાઇ ચૂક્યા છે. `અંબા આવે તો માંડવો શોભશે', જનમ જે સંતે આપે જનેતા એ જ કહેવાય સહિતના અનેક
ગરબાઓ તેમણે લખ્યા છે અને પોતે ગાયા છે.ટ્રસ્ટનો હેતુ સ્વ. ચંદુભા જાડેજા રચિત ગરબાઓ
ગરબીઓમાં કાયમ ગવાય, નવી પેઢીના કલાકારો આ ગરબા ગાઇ માતાજીની
આરાધના કરે, માતાજીના ભક્તો આ ગરબાના તાલે ગરબાની પરિક્રમા કરી
રાસ રમે.પ્રસાદી પુસ્તકના વિમોચન પ્રસંગે મંદિરના ભુવા ગજેન્દ્રસિંહ ચૌહાણ,
ટ્રસ્ટી ખેંગારજી જાડેજા, વિનોદભાઇ સોલંકી,
ચત્રભુજભાઇ ભાનુશાલી, કનૈયાલાલ કટારિયા,
સુરેન્દ્રસિંહ જાડેજા, મયૂરસિંહ જાડેજા,
હિતુભા જાડેજા, રાજુભાઇ સોની, સાંગાજી સોઢા, પ્રકાશ પંડયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા
હતા. વિમોચન બાદ પ્રથમ પુસ્તક માતાના મઢ ગરબી મંડળના સભ્યોને રાજાબાવા તરફથી ભેટ અપાયું
હતું. કચ્છના ગરબી મંડળો સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરાશે.