નવી દિલ્હી, તા.12: ભારતીય ક્રિકેટ
ટીમના ભૂતપૂર્વ સુકાની સુનીલ ગાવસ્કરે દેશની ઘરેલુ સ્પર્ધા રણજી ટ્રોફીના વર્તમાન માળખા
અને બીસીસીઆઈના શિડયાલિંગ સામે આકરા સવાલો ઉઠાવ્યા છે. ગાવસ્કરનું માનવું છે કે રણજી
ટ્રોફી ચાલુ હોય તે દરમિયાન ઇન્ડિયા-એ ની મેચ ન યોજવી જોઈએ. રણજી ટ્રોફીની નવી સીઝનનો
પ્રારંભ રવિવારે થયો હતો, તે જ દિવસે
ઇન્ડિયા-એ અને ઓસ્ટ્રેલિયા-એ વચ્ચેની ત્રણ અનઓફિશિયલ વનડે શ્રેણીની મેચ હોવાના કારણે
રજત પાટીદાર, દેવદત્ત પડિક્કલ અને ઋતુરાજ ગાયકવાડ જેવા ઇન-ફોર્મ
ખેલાડીઓ પોતપોતાની રાજ્ય ટીમો માટે રમી શક્યા નહોતા. આટલું ઓછું હોય તેમ ચાલુ માસના
અંતમાં ઇન્ડિયા-એની ટીમ ત્રણ અનઓફિશિયલ ટેસ્ટ મેચ રમવા માટે ન્યુઝીલેન્ડના પ્રવાસે
જવાની છે, જેનાથી રણજી ટ્રોફીમાં ફરી એકવાર ઘણા અગ્રણી ખેલાડીઓની
ગેરહાજરી સર્જાશે. ગાવસ્કરે ઘરેલુ કેલેન્ડર તૈયાર કરતી વખતે આવી તારીખોના ઘર્ષણથી બચવા
બોર્ડ અને આયોજકોને તાકીદ કરી છે. ગાવસ્કરના મતે રણજી ટ્રોફીના ગૌરવ અને સ્તરની અવગણના
ન થવી જોઈએ. રણજી ટ્રોફીમાં સૌથી વધુ રન કે સૌથી વધુ વિકેટો ઝડપીને રાષ્ટ્રીય ટીમમાં
સ્થાન મેળવનારા ઘણા ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઉચ્ચ દબાણ સામે સંઘર્ષ કરતા જોવા
મળે છે. કેટલાક ખેલાડીઓ થોડા જ સમયમાં ટીમમાંથી બહાર થઈ જાય છે, જ્યારે અન્ય લાંબા સમય સુધી માત્ર બેન્ચ પર તકની રાહ જોતા રહી જાય છે.