• રવિવાર, 23 નવેમ્બર, 2025

રોગાનકળા હવે વિલુપ્તપ્રાય નથી...

રોગાનકળાને લુપ્ત થતી રોકવા માટે જીવનભર સમર્પિત પરિવારના મોભી અબ્દુલ ગફુર રાષ્ટ્રપતિ ભવનમાં દ્રૌપદી મુર્મુ સમક્ષ ઉપસ્થિત થયા ત્યારે મનમાં ઉચાટ હતો. ભારત જેવી મહસત્તાના સર્વોચ્ચ બંધારણીય વડા સમક્ષ કચ્છના હસ્તકળા કારીગર ખાસ નિમંત્રણ મેળવીને ગયા હોય, એ દુર્લભ ઘટના... દ્રૌપદી મુર્મુએ ખૂબ સાહજિકતાથી રોગાન વિશે જાણ્યું અને વિશેષ તો અબ્દુલ ગફુર ખત્રી 15 વર્ષના દીકરાની આંગળીઓમાંથી પણ બેનમૂન કળા નીતરે છે, એ સાંભળીને બોલી ઊઠયાં કે જ્યારે કોઇ કળા કે વિશેષ આવડત નવી પેઢીને વારસામાં ઊતરે તો જ એ જીવંત રહી શકે...`અબ્દુલ ગફુરજી, આપને યે કામ બહોત અચ્છા કિયા.' આ શબ્દો રોગાનના `પદ્મશ્રી' કસબીના કાનમાં આજે પણ ગુંજે છે. કચ્છની હસ્તકળા કોઇ નવી વાત નથી રહી. વાચકોને રોગાન, બાંધણી, ખરકી, વણાટ, બ્લોક પ્રિન્ટિંગ બધાં વિશે સમયાંતરે સામગ્રી પીરસાતી રહે છે, પણ કળાનો દરજ્જો હવે બદલાયો છે. એક સમયે ગામડાંમાં રહેતા કારીગરતેમના પરિવારે માલ વેચવા માટે ખૂબ પ્રયત્ન કરવા પડતા. ગ્રાહકનો સીધો ચહેરો તો જોવા જ ન મળે... ઊંચી હસ્તકળાના પાણીના દામ ઊપજતાં સિનારિયો હવે બદલાઈ ચૂક્યો છે. પ્રવાસનનો અપાર વિકાસ થયો અને સરકારી પ્રોત્સાહન પણ મળતું થતાં ઉમદા કસબીને સારું ઉપાર્જન થવા  લાગ્યું  છે.  અબ્દુલ ગફુર ખત્રી કહે છે કે કચ્છની દરેક હસ્તકળાને હવે જબ્બર વેગ મળ્યો છે. વેચાણ સારું થાય છે. પ્રવાસીઓ અને કોર્પોરેટ જગત તરફથી માંગ પણ વધી છે અને રણોત્સવ ઉપરાંત રાષ્ટ્રીય -આંતરરાષ્ટ્રીય હસ્તકળા મેળામાં કારીગરોને પ્લેટફોર્મ મળતું થતાં કચ્છ અને કચ્છની હસ્તકળાનું નામ વિશ્વફલક પર જાણીતું થયું છે. હજુ હાલમાં જ ઝુરા ગામના ખરકી કસબી જાનમામદને ચાંદખેડા યુનિવર્સિટી ખાતે `ગેમચેન્જર ઓફ ભારત' સન્માન એનાયત થયું છે. રોગાન પહેલાં નિરોણા પૂરતી સીમિત હતી, હવે માધાપરમાં પણ કેન્દ્ર વિકસ્યું છે, જે દર્શાવે છે કે રોગાન હવે ડૂબતી કળા નથી, લુપ્ત થવાની નથી... એને મજબૂત આધાર મળી ગયો છે. અબ્દુલભાઈનો આખો પરિવાર રોગાનને સમર્પિત છે. બે ભાઇનાં કુટુંબ મળીને દસેક જણ પારિવારિક વ્યવસાયમાં લાગેલા છે. એક સમયે એવી ભીતિ હતી કે અબ્દુલભાઇ કે તેમના પરિવાર પછી રોગાન લુપ્ત થઇ જશે, પણ આવું ન બને એ માટે ખત્રી પરિવારે ઝનૂનભેર મહેનત કરી છે. જ્યાં જ્યાં તક મળી, ત્યાં નવા વિચાર સાથે રોગાનને પેશ કરી છે. બે વર્ષ પહેલાં ગાંધીનગરમાં જી - 20 અંતર્ગત વિવિધ દેશના નાણામંત્રીઓ, બેન્કોના ગવર્નર્સ, ડાયરેક્ટરોની શિખર બેઠકમાં `પદ્મશ્રી' કારીગરે  100 મીટર લંબાઇનાં કાપડ પર 21 કલાકમાં 580 કલાકૃતિનું સર્જન કરીને વિશ્વવિક્રમ રચ્યો હતો. વિદેશી મહાનુભાવો રોગાનનું સર્જન જોઇને મંત્રમુગ્ધ થઇ ગયા હતા. અબ્દુલ ગફુર ખત્રી પરિવારના સભ્યોએ આ કલાને ટકાવી રાખી છે. એટલું જ નહીં, તેનાં વિસ્તરણ અને ફેલાવા માટે પણ તત્પર છે. સામાન્ય રીતે પરંપરાગત કસબના કસબીઓ ક્લાને પોતાના વારસા પૂરતી જ સીમિત રાખવાનો આગ્રહ રાખે છે, પરંતુ આ ક્લાના કસબીઓએ કેટલીક સંસ્થાઓના સહયોગથી અન્ય જાતિના પરિવારો સુધી પહોંચાડવાના સફળ પ્રયાસો પણ કર્યા છે. રોગાનનાં સંવર્ધન માટે પ્રયાસો થતા રહ્યા છે. રાજાશાહી જમાનામાં એવી રૂઢિગત માન્યતા હતી કે ત્રીઓ રોગાનકલા શીખી શકે નહીં, પરંતુ નિરોણાએ ત્રી સશક્તિકરણની ઉમદા પહેલ અપનાવીને છેલ્લા દોઢ  દાયકામાં ગામની અને અન્ય સમાજોની ત્રણસોથી વધુ મહિલાઓને તાલીમ આપીને રોગાનકલાનો કસબ શીખવ્યો છે. રોગાનનું ઉદ્ભવસ્થાન મૂળ પર્શિયા, તુર્કી, ઇરાન, ઇરાક માનવામાં આવે છે. `પદ્મશ્રી' અબ્દુલ ગફુર ખત્રી કહે છે કે ઇરાન - ઇરાકમાંથી વાયા સિંધ રોગાનનું આગમન થયું છે. એક જમાનામાં ગુજરાતમાં વિરમગામ, અમદાવાદ અને બાવળામાં પણ રોગાનનું અસ્તિત્વ હતું. રાજાશાહી યુગમાં કચ્છના આહીર, ભરવાડ, બન્ની, અનુ. જાતિની મહિલાઓ, હાલેપોત્રા, રાયસીપોત્રા તેમજ નોડે જેવી જ્ઞાતિની  ત્રીઓ રોગાનનાં છાપવાળાં પહેરણ ઉપયોગમાં લેતી. કાળક્રમે મશીનયુગનું આક્રમણ થયું. પ્રિન્ટેડ મશીન કાપડના સસ્તા ભાવ અને સુલભતાને લીધે રોગાનવાળું કાપડ ખરીદવાનું બંધ થવા લાગ્યું... રોગાનના કસબીઓ બેકાર બનતાં નિરોણા સિવાય તમામ જગ્યાએથી આ કળા લુપ્ત બની. આજે રોગાન જ્યાં પહોંચી છે, એમાં અબ્દુલ ગફુર તથા ખત્રી પરિવારની દૃષ્ટિ કારણભૂત છે. 1985થી અબ્દુલભાઇએ રોગાનને આર્ટ ફોમમાં લેવાની શરૂઆત કરી. ઝીણા તાર દ્વારા બારીકાઈથી ડિઝાઈનમાં ફેરફાર કર્યા. ધીરે ધીરે દેશ - દુનિયામાં સ્વીકૃતિ વધતી ગઇ. રણોત્સવ, ટેન્ટ સિટીને પગલે કચ્છમાં પ્રવાસીઓનો પ્રવાહ વધ્યો, તેનો લાભ નિરોણાને, રોગાનને પણ મળતો થયો છે, પરંતુ કળા પાછળ જે પરિશ્રમ અને ખાસ્સો સમય માગી લેતી કળાકારીગરી છે, એની તુલનાએ રોગાન હજુ વધુ માન, સન્માન, દામની અધિકારી છે. અબ્દુલભાઇ કહે છે કે બજાર વ્યવસ્થા રોગાનની મુખ્ય સમસ્યા છે. માત્ર પર્યટકો ઉપર કળા ટકી ન શકે. દર વર્ષે દેશ - વિદેશમાં યોજાતા ક્રાફ્ટ મેળામાં રોગાનનું  નિદર્શન કરવામાં આવે તો કળાનું ભાવિ વધુ સમૃદ્ધ બને.  

Panchang

dd