નવી દિલ્હી/રાજકોટ, તા. 22 : હવામાન વિભાગે
બંગાળની ખાડીમાં એક નવા ચક્રવાતની સંભાવના વચ્ચે દક્ષિણ ભારતમાં તોફાન અને ભારે વરસાદનું
એલર્ટ જાહેર કર્યું છે. 23-24 નવેમ્બર 2025ના કેરળ સહિત આંધ્રપ્રદેશ અને
તટીય તમિલનાડુમાં ભારે વરસાદ અંગે એલર્ટ જાહેર કરાયું છે. આ દરમિયાન 55 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન
ફૂંકાઈ શકે છે. એવું કહેવાય છે કે, સેન્યાર સાઈક્લોનિક સર્ક્યુલેશનનાં પગલે ભારે તબાહી મચી શકે છે.રાજ્યમાં શિયાળાની
ઋતુની દસ્તક વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન ઘટવાની શક્યતા છે. યુરોપ અને એશિયા ખંડમાંથી
આવતા ઠંડા પવનનાં કારણે ઠંડી પડી રહી છે. 18 નવેમ્બરથી 20 નવેમ્બર તાપમાનમાં વધારો થશે. હાલમાં લગભગ વાતારવરણ શુષ્ક રહેવાની
શક્યતા છે. આગામી 24 નવેમ્બરે
વાતાવરણમાં પલટો આવશે, ત્યારે રાજ્યના
વાતાવરણમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે. 19 નવેમ્બર આસપાસ અરબસાગરમાં હળવું
દબાણ બનશે. બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલી ચક્રવાતી સિસ્ટમ 24 નવેમ્બર સુધીમાં ડિપ્રેશનમાં
અને પછી સેન્યાર વાવાઝોડાંમાં ફેરવાઈ શકે તેવી હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે.
27થી 30 નવેમ્બરની વચ્ચે વાવાઝોડું ત્રાટકે તેવી સંભાવનાનાં પગલે આંધ્રના
તટીય જિલ્લાઓને હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે.