બિહાર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ આવ્યાં પછી રાષ્ટ્રીય રાજકારણમાં
મુખ્ય પ્રશ્ન છે - વિપક્ષ ક્યાં છે? કોંગ્રેસના ઇન્ડિ - મોરચાનું ભાવિ શું? ભાજપને સત્તા
ઉપરથી હટાવવા માટે કોંગ્રેસે આ `મોરચો' - માંચડો
ઊભો કર્યો પણ તેના પાયા હવે હચમચી ગયા છે. બિહારે વિપક્ષોમાં અવિશ્વાસ વ્યક્ત કર્યો
છે. રાહુલ ગાંધીએ મતચોરીના આક્ષેપ કર્યા અને એટમબોમ્બ - તથા હાઇડ્રોજન બોમ્બના પ્રયોગ
કર્યા પણ અખિલેશ યાદવ અને અન્ય પક્ષોએ તાળીઓ પાડી નહીં અને લોકોએ અંગૂઠા બતાવ્યા! હવે
રાહુલ ગાંધી સામે મોટો પડકાર છે : જનતાનો વિશ્વાસ કેવી રીતે મેળવવો? `મોત કા સૌદાગર' અને `ચોકીદાર ચોર હૈ'થી વોટચોરી - સુધીના મુદ્દાથી કોંગ્રેસ હાંસીપાત્ર બની છે અને અન્ય રાજ્યોમાં
પ્રાદેશિક પક્ષો હવે રાહુલ ગાંધી - કોંગ્રેસને `દાદ'
આપવા તૈયાર નથી. દાદાગીરીનો તો પ્રશ્ન જ નથી! હવે રાહુલ ગાંધીએ ચૂંટણીપંચ
અને મતદારયાદીને નિશાન ઉપર લેવાની જાહેરાત કરી છે. એમની ભૂલ અને ખોટા મુદ્દા બદલ જનતા
સમક્ષ માફી માગવાને બદલે ચોરી ઉપર સીનાજોરી છે! લોકતંત્ર બચાવવાનાં બહાનાં પણ અસરકારક
નથી. જો નેતાગીરી અને વિપક્ષી નીતિ નહીં બદલાય તો પક્ષમાં ફરીથી ભંગાણ પડવાની શક્યતા
છે. ચૂંટણીપંચ ઉપર બેફામ આક્ષેપો થાય તો રાહુલ ગાંધી સામે કાનૂની પગલાં લઈ શકાય,
પણ એમની ધરપકડ કે સજા થાય તો ઇન્દિરા ગાંધીની જેમ - કાનૂની લડતનો રાજકીય
લાભ લેવાના પ્રયાસ થાય, આથી જ ભાજપ સરકાર રાજકીય લડત આપીને એમને
મહાત કરશે. ગાંધી પરિવાર - રોબર્ટ વાડરા સહિત - સામે ભ્રષ્ટાચારના કેસ તો આગળ વધશે.
ભાજપ - હવે ગુજરાતના વિકાસ મોડેલ પછી બિહારને સામાજિક ન્યાયનું મોડેલ બનાવશે અને રાષ્ટ્રહિતને
આગળ કરશે. પાકિસ્તાની આતંકવાદ ઉપર આખરી પ્રહાર થાય તો નવાઈ નહીં. આગામી વર્ષે બંગાળમાં
મતદારયાદી અને બાંગલાદેશી ઘૂસણખોરોનો મુદ્દો મુખ્ય હશે. બાંગલાદેશમાં ચૂંટણી પહેલાં
હિન્દુવિરોધી ભાષણોના પડઘા પશ્ચિમ બંગાળમાં પડી રહ્યા છે. ચૂંટણી દરમિયાન હિંસાચાર
થાય કે થવાની શક્યતા હોય તો જંગલરાજ સામે રાષ્ટ્રપતિ શાસન અથવા ભારતીય સેનાની દેખરેખમાં
મતદાન કરવાનો વિકલ્પ હશે. તામિલનાડુમાં બિહારની જેમ `સામાજિક ન્યાય'નો મુદ્દો સર્વોપરી હશે. સત્તા માટે એક મંચ ઉપર
ઊભા રહીને હાથ ઊંચા કરનારા નેતાઓના બીજા હાથ છૂટા હતા - અથવા તો બીજા હાથમાં છૂરી તૈયાર
હતી! એમનાં હિત-સ્વાર્થ એકબીજા સાથે ટકરાતા હતા અને હજુ ટકરાય છે. બિહારમાં આપણે જોયું
કે, ઇન્ડિ મોરચાનું સ્થાન મહાગઠબંધનને મળ્યું. રાહુલ ગાંધીના
સ્થાને તેજસ્વી યાદવ હતા. કોંગ્રેસ હંમેશાં પ્રથમ સ્થાને રહેવાનું પસંદ કરે છે,
પણ બિહારમાં લાચારી હતી. જો બહુમતી મળી હોત તો પણ યશ તેજસ્વીને મળે અને
ઉત્તરપ્રદેશમાં પણ યાદવ કુળના અખિલેશનો `હાથ' ઊંચો રહે તો
કોંગ્રેસના `હાથ'નું મહત્ત્વ શું? આ પ્રશ્ન
અને શંકા મૂળભૂત હોવાથી મૈત્રીકરારમાં પ્રામાણિકતાનો અભાવ હતો તે પરિણામે પુરવાર કર્યું
છે. આવી જ સ્થિતિ તામિલનાડુ અને બંગાળમાં છે. આગામી વર્ષે ચૂંટણી છે, ત્યારે એમ કે સ્ટાલિન અને મમતા બેનરજી `હાથ'ને કેટલો સાથ આપશે? મહારાષ્ટ્રમાં મુંબઈ સુધરાઈ અને મહારાષ્ટ્રમાં
સ્થાનિક ચૂંટણી ગાજે છે, ત્યારે કોંગ્રેસે અલગ - ઉદ્ધવ સેનાથી
અલગ રહીને ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. `અસમર્થવાન ભવેત્ સાધુ' જેવી સ્થિતિ છે! શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ
અને ઉદ્ધવ સેના સાથે કોંગ્રેસની સમજૂતી હતી, પણ રાજ ઠાકરેની નવનિર્માણ
સેનાનો પ્રવેશ થયો તે પછી ઉદ્ધવ ઠાકરેની સ્થિતિ મજબૂત થઈ છે અને હવે બિહારનાં પરિણામ
પછી મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસનું અવમૂલ્યન થયું છે. ટિકિટોની વહેંચણીમાં પણ છેલ્લે
ભાગીદારીમાં ભાગ હશે, એવી ધારણા હોવાથી કોંગ્રેસે અલગ રહેવાની
જાહેરાત કરી છે. છતાં પડદા પાછળ શરદ પવારને મનાવવાના પ્રયાસ થાય છે તે સફળ થાય તો કોંગ્રેસ
અને શરદ પવાર, ઉદ્ધવ અને રાજ ઠાકરે તથા ત્રીજા મોરચામાં ભાજપ
- શિંદે સેના અને અજિત પવાર - મહારાષ્ટ્રની ચૂંટણીમાં કોંગ્રેસ અને રાહુલ ગાંધીનું
સ્થાન ક્યાં હશે? મુખ્ય જંગ તો ઉદ્ધવ સેના અને ભાજપ વચ્ચે હશે.ભાજપના
મોરચામાં અજિત પવાર સૌથી નબળી કડી છે. ભ્રષ્ટાચારના આક્ષેપ ઉપરાંત અજિત પવાર ઉપર વિશ્વાસ
નથી. આ ઉપરાંત, શિંદે સેનાના નેતાઓ અને કાર્યકરોને ભાજપમાં ખેંચી
લેવાના પ્રયાસ થયા - થાય છે તેથી શિંદે નારાજ છે. એમણે નવી દિલ્હી જઈને ગૃહપ્રધાન અમિત
શાહ તથા પક્ષપ્રમુખ નડ્ડા સમક્ષ રજૂઆત કરીને વિરોધ નોંધાવ્યો છે. ભાજપના દરવાજે લાઇનમાં
ઊભેલા નેતા - કાર્યકરોને પ્રવેશ નહીં આપવાની માગણી કરી છે, પણ
સાથી ભાગીદાર પક્ષને તોડવાની આવી હિલચાલથી ભાજપની પ્રતિષ્ઠા ઝંખવાઈ રહી છે. ઉદ્ધવ ઠાકરેએ
પણ એકનાથ શિંદેને ટોણાં મારીને `રાજકીય નિરાશ્રિત' કહ્યા છે. આવા અહેવાલ અને વિવાદ શિંદે સેનાના નેતા - કાર્યકરોને ઉદ્ધવના શરણે
જવાની પ્રેરણા-પ્રોત્સાહન આપશે એમ મનાય છે. ભાજપની નેતાગીરીએ શિંદેને ગર્ભિત ઠપકો પણ
આપ્યો છે. મહારાષ્ટ્ર કેબિનેટની બેઠકમાં ગેરહાજર રહીને ખોટો સંદેશ કાર્યકરોને મળે છે
એમ જણાવ્યું છે. શિંદે અવારનવાર ગૃહપ્રધાન અમિત શાહને મળે છે - અને એમને મુલાકાત અપાય
છે, તેનો અર્થ એ છે કે, ભાગીદાર પક્ષોને
પણ મહત્ત્વ અપાય છે અને મુંબઈ - મહારાષ્ટ્રની ચૂંટણીમાં ભાજપ ત્રિપુટીનો પ્રભાવ બતાવવો
જરૂરી છે. શિંદે મુખ્ય પ્રધાન બનવા માગે છે, તે સૌ જાણે છે પણ
આ સમય નથી છતાં આશા અમર છે. રાહુલ ગાંધી સતત ચૂંટણીપંચ ઉપર આક્ષેપ કરી રહ્યા છે અને
લોકતંત્ર બચાવવાની વાત કરે છે, પણ સુપ્રીમકોર્ટે એમને વખતોવખત
ટપાર્યા છે. ઠપકો પણ આપ્યો છે. સુપ્રીમકોર્ટમાં વિશ્વાસ અને આદર હોવો જોઇએ. વિરોધ પક્ષો
જવાબદાર હોવા જોઇએ. સુપ્રીમકોર્ટે સરકારને ટપારી છે અને બચાવી પણ છે. તામિલનાડુ અને
કેરળની સરકારોએ રાજ્યપાલો વિરુદ્ધ સુપ્રીમકોર્ટને ફરિયાદ કરી હતી કે, વિધાનસભામાં પસાર થયેલા ખરડાઓને મંજૂરી આપવામાં વિલંબ થાય છે અથવા ટાળવામાં
આવે છે, તેથી મંજૂરી આપવા માટે સમયમર્યાદા નક્કી કરવી જોઇએ -
પણ કોર્ટે આવી સમયમર્યાદા રાખવાનો ઇનકાર કર્યો છે છતાં કહ્યું છે કે, રાજ્યપાલે આવા ખરડા અભેરાઈ ઉપર મૂકવા નહીં જોઇએ. આ ચુકાદા પછી આ રાજ્યો ચૂંટણીમાં
કેન્દ્ર સરકાર વિરોધી મુદ્દો ચગાવી નહીં શકે. હિન્દી ભાષાનો વિરોધ ચૂંટણીમાં થશે,
પણ જનમાનસ ઉપર તેની અસર પડે એમ લાગતું નથી. ભાજપને સત્તા મળે નહીં તો
પણ સંખ્યાબળ વધવાનો વિશ્વાસ છે, તેથી બિહારની જેમ મહિલાઓને રાજી
રાખવા સાથે સામાજિક ન્યાય - પછાત જાતિઓને પ્રોત્સાહન અપાશે. ડીએમકેના મોરચામાં કોંગ્રેસ
છે, ત્યારે અન્ના ડીએમકે અને અભિનેતા વિજય ભાજપને કેટલો સાથ આપે
છે તે જોવાનું છે. તામિલનાડુ પછી બંગાળમાં પણ રાજવંશ સ્થાપવાના પ્રયાસ છે, તેથી પરિવારવાદની કસોટી થશે. આ રાજ્યોમાં કોંગ્રેસ મોરચા કરતાં પ્રાદેશિક પક્ષનો
હાથ ઉપર રહેશે એવી ધારણા છે. એકંદરે કોંગ્રેસના ઇન્ડિ મોરચાનું અવમૂલ્યન થાય છે,
ત્યારે ભાવિ શું? એવી ચિંતા નેતાઓ અને કાર્યકરોમાં
છે.