નવી દિલ્હી, તા. 22 : કર્મચારી
ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ) અનિવાર્ય પીએફ
અને પેન્શન યોગદાન માટે વેતનની મર્યાદા વધારીને પોતાના પાત્રતા માપદંડોમાં મોટા બદલાવ
ઉપર વિચાર કરી રહ્યું છે. ઈપીએફઓ માટે વેતનની વર્તમાન મર્યાદા 15,000 છે, જેને વધારીને 25,000 રૂપિયા કરવાનો પ્રસ્તાવ છે.
પહેલા આ મર્યાદા 6,500 રૂપિયા હતી.
આ વિચારણા પાછળનો હેતુ એક કરોડથી વધારે કર્મચારીઓને પેન્શન અને પીએફની સામાજિક સુરક્ષામાં
સમાવવાનો છે. મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન આર્થિક સેવા વિભાગના સચિવ એમ નાગરાજુએ
કહ્યું હતું કે, 15,000 રૂપિયાથી થોડા વધુ કમાતા ઘણા લોકો પાસે પેન્શન કવર ન હોવું એ
ખરાબ વાત છે અને મોટી ઉંમરે આવા લોકોને બાળકો ઉપર નિર્ભર રહેવું પડે છે. આ માટે નાગરાજૂએ
જૂની પેન્શન સીમાઓને અપડેટ કરવા ઉપર ભાર મૂક્યો હતો. વર્તમાન નિયમો હેઠળ માત્ર 15,000 રૂપિયા સુધીની બેઝિક સેલેરી
મેળવતા કર્મચારીઓને જ ઈપીએફ અને ઈપીએસના દાયરામાં લાવવા જોઈએ, જેનાથી થોડું વધારે કમાતા લોકો તેનાથી બહાર નિકળી શકે છે અને નિયોક્તાઓએ આવા કર્મચારીને રજિસ્ટર્ડ કરવાની કોઈ બાધ્યતા નથી. તેનાથી શહેરી ખાનગી ક્ષેત્રના કર્મચારીઓનો
એક મોટો હિસ્સો મામૂલી વેતન મેળવવા છતાં પણ ઔપચારિક સેવાનિવૃત્તિની બચત વિના રહે છે.
અહેવાલો સંકેત મળે છે કે ઈપીએફઓ મર્યાદાને
વધારીને 25,000 રૂપિયા
કરી શકે છે અને આગામી વર્ષની શરૂઆતમાં બોર્ડ દ્વારા આ મામલે વિચાર કરવામાં આવે તેવી
સંભાવના છે. શ્રમ મંત્રાલયના ડેટાથી જાણવા મળે છે કે વેતન મર્યાદામાં 10,000 રૂપિયાની વૃદ્ધિથી 1 કરોડથી વધારે કર્મચારી અનિવાર્ય ઈપીએફ અને
ઈપીએસ દાયરામાં આવી શકશે. ટ્રેડ યુનિયન તરફથી પણ લાંબા સમયથી સંશોધનની માગણી કરવામાં
આવી રહી છે અને તર્ક છે કે વધતો ગુજરાનનો ખર્ચો અને વેતન સ્તર વચ્ચે વર્તમાન મર્યાદા
જુની થઈ ચુકી છે. કર્મચારીઓ માટે આ બદલાવથી માસિક યોગદાનમાં વધારો થશે. ઈપીએફ ભંડોળ
વધશે અને પેન્શનની ચુકવણીમાં સુધારો આવશે. વર્તમાન સમયે કર્મચારીઓ મુળ વેતનના 12 ટકા યોગદાન કરે છે. જે નિયોક્તા
દ્વારા પણ બરાબર કરવામાં આવે છે. જે પોતાનો હિસ્સો ઈપીએફ અને ઈપીએસ વચ્ચે વિભાજીત કરે
છે. હાઈ સેલેરી બેઝથી યોગદાનમાં વધારો થશે. જ્યારે નિયોક્તાઓ માટે પ્રતિ કર્મચારી પડતરમાં
વધારો થશે.