ગાંધીધામ, તા. 22 : એસઆઇઆર પ્રક્રિયા લોકતંત્ર માટે ખૂબસૂરતી છે, આ અભિયાન રાષ્ટ્રીય સ્તરે પારદર્શક ચૂંટણી પ્રણાલી
સુનિશ્ચિત કરવા માટે મૂકવામાં આવ્યું છે. તેમાં તમામ નાગરિકોએ સહભાગી થઈને તેને સફળ
બનાવવા માટેનો અનુરોધ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. કચ્છ કલેક્ટર આનંદ પટેલની
સૂચના અનુસાર ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરુવાણી અને નખત્રાણાના એસ.ડી.એમ. અને
ગાંધીધામ વિસ્તાર માટે નિયુક્ત ઈ.આર.ઓ. ઉજ્જવલ ઉત્કર્ષની ઉપસ્થિતિમાં સંકુલના તમામ
સમાજો, એસોસીએશનો, એન.જી.ઓ.ના પ્રતિનિધિઓ
તથા અગ્રણી નાગરિકો સાથે ચેમ્બર ભવન ખાતે માર્ગદર્શન બેઠક યોજાઈ હતી. ચેમ્બરના માનદમંત્રી
મહેશ તીર્થાણીએ સમગ્ર રાષ્ટ્રમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે,
તે વિશે સંક્ષિપ્ત માહિતી આપી આ ઝુંબેશમાં સર્વ નાગરિકોને સક્રિયતાથી
ભાગ લઈ મતદારયાદી સુધારણાને સફળ બનાવવા અપીલ કરી હતી. ચેમ્બર પ્રમુખ મહેશ પુજે જણાવ્યું
હતું કે, મતદારયાદી સુધારણા પ્રક્રિયા માત્ર એક ઔપચારિક કામગીરી
નહીં, પરંતુ બંધારણીય મતાધિકાર સુરક્ષિત રાખવાની નાગરિકની ફરજ
છે. દેશભરમાં શરૂ થયેલાં આ અભિયાનમાં કચ્છ અને ગાંધીધામ સક્રિય રીતે જોડાયા છે અને
સમયસર દસ્તાવેજીકરણ દરેક નાગરિકને લોકશાહી પ્રત્યે જવાબદાર બનાવે છે. ગાંધીધામ મહાનગરપાલિકાના
કમિશનર મનીષ ગુરુવાણીએ મતદારયાદી સુધારણા કાર્યક્રમનું મહત્ત્વ જણાવીને એસ.આઈ.આર. પ્રક્રિયાને
લોકતંત્રની ખૂબસૂરતી ગણાવી હતી. આ અભિયાન રાષ્ટ્રીય સ્તરે પારદર્શક ચૂંટણી પ્રણાલી
સુનિશ્ચિત કરવા અમલમાં મુકાયું છે, જેનો અમલ ગુજરાત સહિત બાર
રાજ્યમાં તબક્કાવાર આગળ વધી રહ્યો છે. તેમણે એસ.આઈ.આર. પ્રક્રિયાને ઝડપી બનાવવા તથા
જન-જન સુધી પહોંચાડવા માટે સંકુલના દરેક વર્ગ, દરેક ધર્મ,
દરેક જાતિ, દરેક સમાજ સાથે આજની આ બેઠક યોજવામાં
આવી છે. તેમ જણાવી તેમણે પ્રક્રિયાને રૂબરૂ અથવા સોશિયલ મીડિયા મારફતે વધારેમાં વધારે
લોકો સુધી પહોંચાડીને તેમાં ભાગ લઈ તેને સફળ બનાવવા અપીલ કરી હતી. એસ.ડી.એમ. ઉત્કર્ષ
ઉજ્જવલે એસ.આઈ.આર. પ્રક્રિયાની વિસ્તૃત માહિતી આપીને મતદારયાદી શુદ્ધીકરણ અને તેનું
મહત્ત્વ જણાવીને ફોર્મ ભરવાની પદ્ધતિ, ચકાસણી, પુરાવાઓની જરૂરિયાત અને સમયમર્યાદા પ્રત્યે સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું હતું.
વિવિધ સમાજોના અગ્રણીઓ દ્વારા પ્રક્રિયા અંગે પૂછવામાં આવતાં ઉત્કર્ષ ઉજ્જવલે દરેક
પ્રશ્નો અંગે માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં ઉપપ્રમુખ દીપક પારેખ, પૂર્વ પ્રમુખ બચુભાઈ આહીર, તેજાભાઈ કાનગડ, માનદ્ સહમંત્રી જતિન અગ્રવાલ, કારોબારી સમિતિના સભ્ય
નવનીત ગજ્જર, જગદીશ નાહટા, કૈલાસ ગોર,
કમલેશ પરિયાણી, રાજીવ ચાવલા, પંજ મોરબિયા, બી.એમ. ગુપ્તા, રાકેશકુમાર
જૈન, શરદ શેટ્ટી, ભગીરથાસિંહ જાડેજા,
રામકરણ તિવારી, પ્રકાશ ઠક્કર, સતપાલાસિંઘ સિદ્ધ, ઈન્દ્રજિતાસિંહ જાડેજા, ધીરેન છાયા, દેવ દાદલાણી, યશદીપ
જાડેજા, ભરત ગુપ્તા, નરેન્દ્રભાઈ ચૌધરી,
ગનીભાઈ માંજોઠી, અશોક ઘેલા, હીરાભાઈ, શહેરની વિવિધ સંસ્થાઓ, સમાજો, એસોસીએશનો અને અગ્રણી નાગરિકો મોટી સંખ્યામાં
ઉપસ્થિત રહ્યા હતા.