• રવિવાર, 23 નવેમ્બર, 2025

હવે માંડવીને પણ ગેસ પાઈપલાઈનની આશા

દેવેન્દ્ર વ્યાસ દ્વારા : માંડવી, તા. 22 : ઔદ્યોગિક, બંદરીય ક્ષેત્રે મુંદરા પંથકે છેલ્લા દોઢ-બે દાયકાઓથી વૈશ્વિક સ્તેર નામ અંકિત કર્યાની સમાંતરે મુંદરામાં પાઈપલાઈન મારફતે ગેસ વિતરણ કરવા માટે પાઈપાલાઈન પાથરવાની જાળ બિછાવાઈ રહી હોવાના સમાચાર વહેતા થતાં આ બંદરીય શહેરમાં પાઈપલાઈન દ્વારા રાંધણગેસ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાની માંગ અને અધિરાઈ વધી છે. જાગૃત નાગરિકોએ તાલુકામાં શહેર સહિત ત્રણ ગ્રામ્ય વિસ્તારની એજન્સીના ચોપડે પચાસેક હજાર ઉપભોક્તાઓની માંગ સંતોષવા વિનવણી કરી હતી. દરમ્યાન આ વિભાગના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ પ્રતિભાવ આપતાં કહ્યું કે, મુંદરામાં પાઈપલાઈન પાથરવાનું કામ શરૂ થઈ ગયું છે એ ખરું અને માંડવીને એ સુવિધા નસીબ કરાવવા ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનનો વિભાગ સંભાળતા મંત્રી પાસે તાર્કિક રજૂઆત કરાઈ છે.એક સમયે ઘરે રાંધણગેસનું જોડાણ કચ્છમાં ધરાવવું એ `સ્ટેટસ સિમ્બોલ' જેવું હતું. ગાંધીધામ, ભુજ, અંજાર, આદિપુર જેવાં શહેરોમાં રાંધણગેસ પાઈપલાઈન મારફતે નસીબ થયો અને '80ના દાયકા દરમ્યાન `િનકી ઈન્ડેન સર્વિસ' આ બંદરીય શહેરમાં શરૂ થઈ. એ સમયે પડોશના મુંદરા-અબડાસા-નખત્રાણા તાલુકાઓ એ ક્ષેત્રે અછૂતા હતા. હવે ભુજમાં પાઈપલાનઈ દ્વારા રાંધણગેસનો પુરવઠો વિતરણ કરવાની કામગીરી ખૂબ પ્રગતિમાં છે. મુંદરામાં ઈન્ડસ્ટ્રીઝ અને ડોમેસ્ટિક ગેસની માંગ અને ગુંજાઈશ વધી અને વાચાળ રજૂઆતોનો હકારાત્મક પડઘો પડયો હોવાથી લાઈનો પાથરવામાં આવી રહી હોવાની વિગતો સામે આવી.માંડવીની વાત કરીએ તો પ્રાપ્ત જાણકારી પ્રમાણે શહેરમાં એક અને ગ્રામ્ય સ્તરે ત્રણ એજન્સી પાસે ઘરેલુ જોડાણો 47,151, જ્યારે ઈન્ડસ્ટ્રીયલ કનેકશન 1,540 મળીને એકંદરે 48,691 ઘરાક છે. આ સામે મુંદરાની બાજુ જોઈએ તો એકંદરે 31,748 ઉપભોક્તા પુરવઠા વિભાગમાંથી જાણવા મળેલા છે. કાંઠાળ પંથકના આ મત વિભાગના સમાવિષ્ટ માંડવી-મુંદરા સહોદરોમાં માંડવી મોટો ભાઈ અને મુંદરા નાનો ભાઈ હોવાનું મૂલવતાં જાગૃત નાગરિકોની વાચાળ વાણીએ કહ્યું હતું કે, મુંદરાને રેલવે, અદ્યતન પોર્ટ, પ્રાંત કચેરી હવે ડી.વાય.એસ.પી. કચેરી, સિનિયર ડિવિઝન કોર્ટનું મથક વગેરેમાં પહેલો હાથ વળતો રહ્યો છે. તેની સમાંતરે માંડવીને રાંધણગેસ પાઈપલાઈન મારફતે ઉપલબ્ધ થાય એવી અધિરાઈ છે. દરમ્યાન માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ જી.એસ.પી.સી. અને મંત્રી પાસે અસરકારક રજૂઆત કરાઈ છે જ. આ સંબંધે સર્વેની કામગીરી, ગ્રાહકોની સંખ્યા વગેરે ધ્યાને લઈ કાર્યવાહી સંબંધે પ્રતિનિધિ તરીકે કોઈ કચાશ નહીં રાખે. 

Panchang

dd