નવી દિલ્હી, તા. 22 : પહેલી ડિસેમ્બરથી
શરૂ થઈ રહેલાં સંસદનાં શિયાળુ સત્રમાં કેન્દ્ર સરકાર આ વખતે 10 નવા વિધેયક લાવવાની કવાયત કરી
રહી છે, જેમાં સૌથી મહત્ત્વનું છે પરમાણુ ઊર્જા વિધેયક.
આ ખરડો દેશના નાગરિક પરમાણુ ક્ષેત્રને ખાનગી કંપનીઓ માટે ખોલવાનો માર્ગ મોકળો કરશે.
અત્યાર સુધી આ ક્ષેત્ર પૂર્ણ સરકારી નિયંત્રણમાં હતું. સરકારનું કહેવું છે કે,
આ નવો કાયદો પરમાણુ ઊર્જાના ઉપયોગ અને તેનાં નિયમનના ઢાંચાને આધુનિક
અને અસરકારક બનાવશે. દેશનાં ઊર્જા ઉત્પાદનને ગતિ મળી શકશે. સત્રના એજન્ડામાં ઉચ્ચ શિક્ષણપંચ
વિધેયક પણ સામેલ છે. આ ખરડો એવાં પંચની સ્થાપના કરશે, જે યુનિવર્સિટીઓ
અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને વધુ સ્વાયત્તતા આપશે. સરકાર કેટલાક જૂના કાયદાઓને સરળ અને
આધુનિક બનાવવાની દિશામાં પણ પગલાં ભરવા જઈ રહી છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ સુધારા,
કોર્પોરેટ કાયદા સુધારા વિધેયક તેમજ કાર્ગો કંપનીઓ, બજાર સાથે જોડાયેલા વિધેયકો સરકાર લાવશે. એ સિવાય મધ્યસ્થતા અને સમાધાનના કાયદામાં
પણ બદલાવ લાવવાનો વિચાર કરાઈ રહ્યો છે. વધુ સ્પષ્ટતા માટે એક સમિતિને આ કાયદાની સમીક્ષા
કરવાનું કામ સોંપાયું છે.