• રવિવાર, 23 નવેમ્બર, 2025

નાગોર ઓવરબ્રિજ નીચેના માર્ગની બિસમાર સ્થિતિથી હાલાકી

ભુજ, તા. 22 : નળવાળા સર્કલથી લઇને મહિલા આશ્રમ સુધી બનેલા ચાર માર્ગિય રોડના નાગોર ફાટક ઉપર બનેલા ઓવરબ્રિજ ઉપરથી વાહન વ્યવહાર શરૂ થઇ ગયો છે, પણ બ્રિજની નીચે સુરલભીટ્ટ ચોકડી પાસેથી નીકળતા આંતરિક માર્ગની હાલત ખરાબ હોવાથી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાઇવે ઓથોરિટી દ્વારા એપીએમસી સુધી બ્રિજના નીચેના માર્ગને ડામરથી મઢી દેવામાં આવ્યો છે, પરંતુ આગળના માર્ગની હાલત હજુ જર્જરિત છે. સુરલભીટ્ટ ચોકડી પાસેથી દરરોજ લોડાઇ તરફ જતાં આવતાં અનેક વાહનોની સાથે જીઆઇડીસી અને આજુબાજુ રહેણાકનો મોટો વિસ્તાર આવેલો હોવાથી સતત ટ્રાફિકવાળા માર્ગનું કામ અધૂરું મુકાતા લોકોની હાલાકી વધી છે. મહિલા આશ્રમ ચોકડીથી સુરલભીટ્ટ સુધી બ્રિજ નીચેનો એક માર્ગ જર્જરિત હોવાથી વાહનચાલકોને નાછૂટકે રોંગ સાઇડમાંથી નીકળવું પડે છે. અત્યારે બ્રિજ નીચેના રસ્તા પાસે રેલવે પ્રશાસન દ્વારા પીટલાઇનનું કામ ચાલુ છે, વળી બીજી બાજુ ડ્રેનેજની લાઇન જતી હોવાથી આ ખાડાવાળા અને માત્ર કોંક્રિટ પાથરેલા રોડ પરથી પસાર થવામાં આંખમાં તારા દેખાય છે. લોકોનું કહેવું છે કે, બ્રિજ બની ગયા પછી નીચેના માર્ગનું કામ અધૂરું કેમ છોડી દેવાયું ? જો હાઇવે ઓથોરિટી દ્વારા ઝડપી રોડની કામગીરી કરાય, તો લોકોને મોટી સમસ્યામાંથી મુક્તિ મળે તેમ છે. 

Panchang

dd