• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

બિહારમાં તૂટતા પુલો

સવારે એક સરકાર પડી જઈ સાંજે બીજી સરકારની શપથવિધિ થવાનો અનુભવ છેલ્લા કેટલાક સમયથી વારંવાર લેનારાં બિહારમાં હાલ પુલ તૂટી પડવાની શ્રેણી શરૂ થઈ છે. બિહારમાં 15 દિવસમાં એક, બે નહીં, દસ પુલ તૂટી પડયા છે. પુલ તૂટવાની આ દસ દુર્ઘટનામાં જાનહાનિ નથી થઈ એ વાતનું સાંત્વન લઈ શકાય. જો કે, પુલ તૂટી પડવાની ઘટનાની ગંભીરતા આનાથી જરાય ઓછી થતી નથી. સિવન, સારણ, મધુબની, અરરિયા, પૂર્વ ચંપારણ અને કિશનગંજ જિલ્લામાં દસ પુલ તૂટી પડયા છે. છેલ્લાં પખવાડિયાંથી બિહારમાં ભારે વરસાદ હતો અને હજી કેટલાંક સ્થળે ચાલુ છે અને પુલ તૂટવા માટે આ બાબત જ કારણભૂત છે, એવી શંકા રાજ્યની સત્તાધારી સંયુક્ત જનતા દળને લાગે છે. તો રાષ્ટ્રીય જનતા દળના મતે પુલોનાં બાંધકામમાં થયેલી ઘાલમેલ જ આની પાછળનું ખરું કારણ છે. કારણ આ હોય કે બીજું કંઈ આ પ્રકારની દુર્ઘટનાને નજરઅંદાજ તો ન જ કરી શકાય. ચોમાસાંની શરૂઆત થાય તે પહેલાં જ નદીમાંના કાદવને કાઢવાનું કામ અનેક સ્થળોએ કરવામાં આવે છે. બિહારમાં આ કામ થયું, પણ તે ટેક્નોલોજીના ઉપયોગ વિના, એવું નિષ્ણાતો કહે છે તેમજ બેફામ, ગેરકાયદે રેતી ખનને પુલોના થાંભલાઓને નબળા પાડયા, પરિણામે સેતુ પાણીની ઉપર નહીં અંદર જોવા મળી રહ્યા છે. આ બધાનાં મૂળમાં ભ્રષ્ટાચાર અને અક્ષમ્ય બેદરકારી છે. પુલોના કોન્ટ્રાક્ટ મેળવતાં સરકાર, પ્રશાસનમાં મહત્ત્વની વ્યક્તિની હથેળી ગરમ કરવા, હલકી સામગ્રીનો ઉપયોગ કરી પુલો ઊભા કરવા અને લાંચ પેટે આપેલી રકમનું સાટું વાળવાની `પ્રથા' ચાલે છે. બિહારમાં આવું જ કંઇક થયું હોવું જોઈએ. વળી, અધૂરું કામ તથા પુલોની દેખભાળ પ્રતિ દુર્લક્ષ જેવાં આ પાપ માટે શાસન અને કોન્ટ્રાક્ટરો જવાબદાર છે. આ મિલિભગત એટલી છે કે, પુલ પડવા સામાન્ય બાબત છે. બિહાર સરકારે અનેક એન્જિનીયરોને બરતરફ કર્યા છે. આ પ્રકારની કાર્યવાહી આવશ્યક હતી. સરકારે પુલો બનાવનારી કંપનીઓને પણ નોટિસ મોકલી તેઓનાં બિલ રોક્યાં અને તેમના વિરુદ્ધ પગલાં શા માટે ન લેવાય તે જણાવવા કહ્યું છે. તપાસ પૂરી ન થાય ત્યાં સુધી આ બધી કંપનીઓને બ્લેક લિસ્ટ કરવી જોઈએ. આપણા દેશમાં વરસાદની મોસમ માળખાંકીય સુવિધાઓની પોલ ખોલવાનું કામ કરતી હોય છે. આનો સીધો અર્થ એ થયો કે, માળખાંકીય સુવિધાઓનાં નિર્માણમાં અક્ષમ્ય બેદરકારી દાખવવામાં આવે છે. આ બેદરકારી માટે કમિશન કે કટકી પ્રથા જવાબદાર છે. માળખાંકીય સુવિધાઓ ઝડપભેર બનાવવાની ખરાબ ગુણવત્તાને કારણે તે પડી ભાંગવાની ઘટનાઓ બને છે. આ સાથે સંસાધનોનો વેડફાટ અને દેશની બદનામીનું કારણ પણ બનતી હોય છે. હાલ તો આક્ષેપો, પ્રતિ-આક્ષેપો છોડી આ સમસ્યાનાં મૂળમાં ઊતરી કાયમી ઇલાજ કરવા પર ધ્યાન આપવું સમયોચિત ઠરશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang