ભુજ, તા. 5 : ઓનલાઈન ઠગબાજો સામાન્ય લોકોને
છેતરવા રોજેરોજ નવાં-નવાં ગતકડાં અજમાવતાં હોય છે. આથી `ચેતતો નર સદા સુખી'ની કહેવત મુજબ આવા ઠગબાજોથી બચવા સાવચેતી જ સમાધાન
છે. રેઢુંપટ ભાળી ગયેલા ડિજિટલ ઠગબાજોએ હાલ 10-1પ દિવસ એક નવતર મોડસ ઓપરેન્ડી શરૂ કરી છે, જેમાં એમ- પરિવહનનાં નામે ઈ-મેમોનો મેસેજ મોકલે
છે અને આપેલી લિંક ખોલી વિગતો ભરતાં ખાતાંમાંથી નાણાં સેરવાયાના બનાવો સામે આવી રહ્યા
છે. છેલ્લા દસ-પંદર દિવસથી પશ્ચિમ કચ્છમાં આ રીતે દરરોજ બેથી ત્રણ જણ છેતરપિંડીનો ભોગ
બની રહ્યા હોવાનું સાયબર ક્રાઈમ સેલ (એલસીબી)ના પીએસઆઈ હર્ષ દેવમણિએ જણાવ્યું હતું.
આમ આવા મેસેજથી લોકોને સાવચેત રહેવા તેમણે અપીલ કરી છે. ડિજિટલ ઠગબાજોએ ભુજમાં એક વ્યક્તિને
રેડ લાઈટ સિગ્નલ તોડયાનું કારણ આપી ઈ-મેમો મોકલ્યો હતો. આમ આવા હરામખોરો લોકોને છેતરવા
નિતનવાં ગતકડાં અજમાવતા હોય છે. આથી આવા સમયમાં `સાવચેતી જ સમાધાન' છે.