ભુજ, તા. 5 : જેવી રીતે કવિ, લેખક કે પત્રકાર વિષય- વસ્તુ શોધી લે છે તેમ
જેનો સેવા-પરોપકારનો સ્વભાવ હોય તેવા તક ઝડપી લેતા હોય છે. ભુજના એક સોસાયટી વિસ્તારમાં
રહેતા ભાવનાશીલ બહેનની ભિક્ષુક બાળકોને નવડાવવાની સેવા ખરેખર અનોખી છે. ઉનાળામાં સૂર્ય
દેવતા અગન વરસાવી રહ્યા હોય, બપોરનો સમય ખૂબ જ ગરમ હોય છે. આવા
સમયે ત્રણ-ચાર ભિક્ષુક ભૂલકાં બાળકો દરવાજે આવે છે... પરસેવે રેબઝેબ. બહેનને દયા આવે
છે અને બાળકોને સારા સાબૂ, શેમ્પૂથી નવડાવે છે, ટુવાલથી અંગ લૂછી આપે છે અને વાળ
ઓળી આપે છે. ભૂલકાંઓના ચહેરા પર ખુશી જોવા
જેવી હતી. બહેનને પણ આત્મસંતોષ અને આનંદ મળે છે. પર્સનલ હાઇજીન માટે તેઓના સાબૂ,
ટુવાલ, દંતિયો અલગ રાખે છે. બાળકોનાં નામ કાંતા,
મોદા, ધાપ્યા અને પૂરણ છે. આવી સેવા અશક્ય નહીં
પણ દુર્લભ તો છે જ. આવા સેવાભાવી લોકો-સંસ્થાઓ ધન્યવાદને પાત્ર છે. આ વાતથી બીજાઓને
સેવા કરવાની પ્રેરણા મળશે. આ બહેનના પૌત્ર, પૌત્રીઓ છે અને પોતાનું
નામ જાહેર ન કરવા નમ્રતાથી વિનંતી કરી છે. કેમ કે, સેવાકાર્યનો
પ્રચાર ન હોય. (તસવીર અને
અહેવાલ : ચંદુલાલ બી. ગોર)