નવી દિલ્હી, તા. 5 : ચકચારી પંજાબ
નેશનલ બેન્ક ગોટાળાના એક મુખ્ય આરોપી નીરવ મોદીના ભાઈ નેહલ દીપક મોદીની અમેરિકામાં
ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ ઈડી અને સીબીઆઈના સંયુક્ત અનુરોધ પર અમેરિકાના ન્યાય
વિભાગ દ્વારા ચોથી જુલાઈના કરવામાં આવી હતી. આ ઘટનાક્રમને ભારતના સૌથી મોટા બેન્કિંગ
કૌભાંડની તપાસમાં એક મોટી વ્યૂહાત્મક અને કાનૂની સફળતા માનવામાં આવે છે. નેહલ મોદીની
ધરપકડ કેન્દ્ર સરકારના ઔપચારિક પ્રત્યાર્પણ અનુરોધ પર કરવામાં આવી હતી અને હવે તેના
પ્રત્યાર્પણની પ્રક્રિયા અમેરિકામાં શરૂ થઈ ચૂકી છે. અમેરિકી ફરિયાદ પક્ષ દ્વારા દાખલ
ફરિયાદ અનુસાર, નેહલ મોદી વિરુદ્ધ બે મુખ્ય
આરોપીના આરોપોના આધારે પ્રત્યાર્પણની કાર્યવાહી કરવામાં આવી રહી છે. નેહલની જામીન અરજી
પર 17મી જુલાઈએ નેશનલ ડિસ્ટ્રીક્ટ ઓફ હોનોલૂલૂ
(એનડીઓએચ)માં સુનાવણી થશે. નેહલ પર અમેરિકામાં એલએલડી ડાયમંડસની સાથે છેતરપિંડી ઉપરાંત
13,600 કરોડના પીએનબી કૌભાંડમાં સામેલ
હોવાનો આરોપ છે. ઈડી અને સીબીઆઈની તપાસમાં એવું સામે આવ્યું હતું કે, નેહલે નીરવ મોદીની મદદમાં મહત્ત્વની ભૂમિકા
ભજવી હતી. બનાવટી કંપનીઓનો ઉપયોગ કરીને ગેરકાનૂની રૂપિયાને છુપાવ્યા હતા. અહેવાલમાં
જણાવવામાં આવ્યું હતું કે, નેહલ મોદી પર નાણાંની હેરફેર અને અપરાધિક
કાવતરાંના આરોપ તળે આ કાર્યવાહી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, 2019માં ઈન્ટરપોલે નેહલ મોદી વિરુદ્ધ
રેડ કોર્નર નોટિસ બહાર પાડી હતી. આ પહેલાં તેના ભાઈ નીરવ મોદી અને નિશાલ મોદી સામે
પણ ઈન્ટરપોલ નોટિસ બહાર પાડી ચૂકી છે. નેહલ બેલ્જિયમનો નાગરિક છે અને તેનો જન્મ એન્ટવર્પમાં
થયો હતો. તે અંગ્રેજી, હિન્દી અને
ગુજરાતી ભાષા જાણે છે. નોંધનીય છે કે, નીરવ મોદી અગાઉથી જ બ્રિટનની
જેલમાં છે અને તેના પ્રત્યાર્પણની કાર્યવાહી પણ ચાલી રહી છે. નીરવ મોદી અને તેના મામા
મેહુલ ચોક્સી પીએનબી કૌભાંડના મુખ્ય સૂત્રધાર છે, જેમાં બેન્કને
આશરે 14,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું
હતું.