• રવિવાર, 06 જુલાઈ, 2025

કાયલા નાની સિંચાઈના ગડાપુઠા ડેમના ઓગનનું કામ નબળું

નખત્રાણા, તા. 5 : તાલુકાના નાની અરલ ગ્રામ પંચાયતના સેજામાં આવેલા કાયલા નાની જળ સિંચાઈના ગડાપુઠા ડેમના ઓગન-પાળ પેચિંગ તથા જંગલ-ઝાડી સફાઈના એક માસ અગાઉ થયેલાં નબળાં કામને કારણે ઓગન વિસ્તારમાં આવતા નાની-મોટી અરલ ગામ તથા વાડી-ખેતરોના જાનમાલની સુરક્ષા માટે જોખમી બન્યા છે. આ સંદર્ભે નાની અરલના સરપંચ દીલાવરસિંહ જાડેજા દ્વારા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાને જાણ કરવામાં આવતાં હરકતમાં આવેલા સિંચાઈ ખાતાંના અધિકારીઓ દોડી આવ્યા હતા. સમસ્યા અંગે અરલ ગ્રામ પંચાયત દ્વારા પત્ર નખત્રાણા નાયબ કલેક્ટરને સુપરત કરવામાં આવ્યો હતો, જેમાં નબળાં કામની ફરિયાદ કરાઈ હતી. પત્રમાં અગાઉ ગડાપુઠા ડેમનું પેચિંગ અને જંગલ સફાઈકામ તંત્ર દ્વારા મંજૂર કરવામાં આવ્યું, પણ મંજૂર કામ 12 માસના સમય પછી એક માસ અગાઉ કચ્છ જિલ્લા કાયલા સિંચાઈ યોજના હેઠળ જે એજન્સી દ્વારા કરવામાં આવેલું તે કામ ગુણવત્તા વગરનું નબળું થયું છે. લોકોના જાનમાલ માટે જોખમકારક છે. આ નબળાં કામની સંબંધિત વિભાગને પણ જાણ કરવામાં આવી છે. છતાં તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. આ ડેમનું એકદમ સારી હાલતનું પેચિંગ હતું, જે એક મહિના પહેલાં એજન્સી દ્વારા સારી હાલતનું પેચિંગને તોડી કામ અધૂરું મૂકી દેવાયું છે.  હવે જ્યારે સારા વરસાદથી ડેમ ઓગનવાની તૈયારીમાં છે ત્યારે ડેમની પાળ ગમે ત્યારે પાણીના ભરાવાથી તૂટી શકે છે. ત્યારે નાની-મોટી અરલ ગામો વિસ્તારના જાનમાલને નુકસાન થવાની ભીતિ છે. ગેરરીતિની યોગ્ય તપાસ માંગવામાં આવી હતી.  

Panchang

dd