મુંબઈ, તા. 5 : મહારાષ્ટ્રની રાજનીતિમાં શનિવારે મોટો
વળાંક આવ્યો હતો અને ર0 વર્ષે ઉદ્ધવ
અને રાજ ઠાકરે એક મંચ ઉપર આવ્યા અને ભેટયા હતા. ઉદ્ધવે જણાવ્યું હતું કે, અમે સાથે રહેવા, આગળ વધવા
માટે સાથે આવ્યા છીએ. શિવસેનામાંથી ફાંટા પડયા બાદ બન્ને પિતરાઈ ભાઈનું આ મિલન મરાઠી
માનુષના શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવે છે. ઠાકરે ભાઈઓની એકતાની અસર આગામી બીએમસી,
વિધાનસભા ચૂંટણીમાં જોવા મળશે. ઉદ્ધવ અને રાજ ઠાકરેએ મરાઠી દિવસ રેલીમાં
મહારાષ્ટ્ર અને મરાઠીઓના હિતમાં એકતા દર્શાવી હતી. તેમણે ત્રિભાષા નીતિનો વિરોધ કર્યો
અને મરાઠી અસ્મિતાની રક્ષાનો સંકલ્પ લીધો હતો. વર્લી સ્થિત એનએસસીઆઈ ડોમમાં આયોજિત
આવાજ મરાઠીચા નામની મહારેલીમાં ઠાકરે ભાઈઓએ સાથે રહી મોટો સંદેશો આપ્યો હતો. મહારાષ્ટ્ર
નવ નિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ કહ્યું કે, મેં પહેલાં જ
કહ્યું હતું કે, ઝઘડાથી મોટું મહારાષ્ટ્ર છે. ઉદ્ધવે પણ મંચ પરથી
હુંકાર ભર્યો કે અમે આજે માત્ર બોલી રહ્યા નથી, અમે સાથે આવ્યા
છીએ સાથે રહેવા માટે અમને અલગ કરનારાઓને હવે બહાર ફેંકી દેશું. હા, અમે ગુંડા છીએ. જો ન્યાય માટે અમારે ગુંડાગીરી કરવી પડશે તો કરીશું. રાજ ઠાકરેએ
ઉદ્ધવ સાથે રહી મંચ પરથી કહ્યું કે, જે બાલાસાહેબ ન કરી શકયા
તે ફડણવીસે કરી બતાવ્યું છે. અમો બન્નેને એક સાથે લાવવાનું કામ. રાજની આવી વાત પર પંડાલમાં
ઉપસ્થિત જનમેદનીએ તાળીઓથી વધાવી હતી. તેમણે કોઈનું નામ લીધા વિના કહ્યું કે,
મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાના જે પ્રયાસ કરાઈ રહ્યા છે, તે કયારેય સફળ નહીં થાય. જો કોઈ મુંબઈ પર હાથ નાખવાનો પ્રયાસ કરશે,
તો મરાઠી માનુષનું અસલી બળ જોશે. તેમણે સવાલ પૂછયો કે શું આપણે અડવાણીના
હિન્દુત્વ પર શંકા કરી શકીએ ? કેન્દ્ર સરકાર પર હિન્દી લાદવાનો
આરોપ લગાવતા ભાષા અને સંસ્કૃતિ મુદ્દે બાલ ઠાકરે, અડવાણી અને
દક્ષિણ ભારતીય નેતાઓના ઉદાહરણ ટાંકયા હતાં. તેમણે ત્રણ ભાષા ફોર્મ્યુલા પાછી ખેંચાયાના
નિર્ણયને મરાઠી અસ્મિતાની જીત ગણાવી અને તેનો શ્રેય મરાઠી એકતાને આપ્યો હતો. રાજે એવું
વિવાદી નિવેદન પણ આપ્યું હતું કે, મરાઠી મુદ્દે કોઇને મારવું
હોય, તો મારજો પણ વીડિયો ન બનાવજો. ત્રિભાષા નીતિ અને શાળાઓમાં
હિન્દીને ફરજિયાત બનાવવા અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે શિવસેના-યૂબીટી અને એમએનએસ અલગ
અલગ રીતે વિરોધ કરી રહ્યા હતા, પરંતુ અચાનક તેમણે અલગ અલગને બદલે
સંયુક્ત રેલી કરીને કેન્દ્ર તથા રાજ્ય સરકારને મોટો રાજકીય સંદેશો આપ્યો છે. આ રેલીને
એક સાંસ્કૃતિક આંદોલન તરીકે પ્રસ્તુત કરાઈ હતી.