• રવિવાર, 06 જુલાઈ, 2025

તરસ્યા અબડાસા-લખપતને મેઘરાજાએ ન્યાલ કર્યા

ભુજ, તા. 5 : રાજ્ય પર સર્જાયેલી અલગ-અલગ વરસાદી સિસ્ટમના પ્રભાવથી કચ્છમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને પશ્ચિમ કચછમાં મેઘકૃપાનો દોર અવિરત રહેતાં વધુ અડધોથી ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. અબડાસા તાલુકમાં અડધોથી ચાર, લખપતમાં દોઢથી એક, નખત્રાણામાં એકથી બે ઈંચ વરસાદથી નદી-નાળાંમાં જોશભેર પાણીની આવક થઈ હતી. ભુજ, અંજાર, ભચાઉ, માંડવીમાં ઝરમરથી હળવા ઝાપટાં રૂપે વરસાદની હાજરી જોવા મળી હતી. હવામાન વિભાગે હજુ આખું અઠવાડિયું વરસાદી માહોલ છવાયેલો રહેવાની આગાહી કરી છે. રવિવારે કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસવાની સંભાવના દેખાડવામાં આવી છે. જિલ્લા મથક ભુજમાં બપોરે સાડા બારના અરસામાં હળવાં ઝાપટાંથી રસ્તા ભીંજાયા હતા. - અબડાસા તાલુકામાં અડધોથી ચાર ઈંચ : અબડાસા તાલુકામાં મેઘમહેરનો દોર અવિરત રહ્યો હતો. પ્રતિનિધિ કપિલ જોશીના અહેવાલ અનુસાર મુખ્ય મથક નલિયામાં જ એક ઈંચ વરસાદ પડતાં નગરના મુખ્ય માર્ગો પરથી વરસાદી પાણી વહી નીકળ્યાં હતાં. હમીરપર, ધુફી, ભારાપર, ઉસ્તિયા, પાટ, ભવાનીપર, બિટ્ટા, બાલાપર, કુવાપદ્ધર, બારા સહિત વિસ્તારમાં અડધાથી બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો, તેવું બિટ્ટાથી જગદીશ ઠક્કરે જણાવ્યું હતું. લાલા, બુડિયા, સિંધોડી, પિંગ્લેશ્વર પટ્ટામાં એકથી બે ઈંચ વરસાદ પડયો હતો. સિંધોડીના વાલજી ગઢવીએ જણાવ્યું હતું કે, ગોયલા, મોખરા, બુટા, ઐડા, વલસરા, જુણાગિયા સહિતનાં ગામમાં એકથી બે ઈંચ જેટલો વરસાદ પડયો હતો. કોઈલાના પૂર્વ સરપંચ જુમાભાઈ કોલીએ જણાવ્યું હતું કે, વાંકુ, વાડાપદ્ધર, પ્રજાઉ, રાપરગઢ એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો, તેવું વાંકુના મિતેશ શાહે જણાવ્યું હતું. રામપર ગઢવાડીમાં ત્રણ ઈંચ વરસાદ પડયાનું વેલજી ગોરડિયાએ જણાવ્યું હતું. અબડાસા તાલુકાના જીવાદોરી સમાન મીઠી ડેમમાં નવાં નીરની આવક ચાલુ થઈ હતી, તો તેરા અને નેત્રા માર્ગ વચ્ચે આવતા લાખણિયામાં વરસાદી પાણી આવી જતાં જ માર્ગ વાહનવ્યવહાર માટે બંધ થયો હતો. કોઠારાથી પ્રતિનિધિ મનોજ સોનીના અહેવાલ પ્રમાણે આજે બપોરે બારથી બે વાગ્યા દરમયાન વરસાદની તોફાની બેટિંગ રહી હતી અને ત્રણ ઈંચ જેટલો વરસાદ પડયો હતો. ભારે વરસાદથી કોઠારાની મેઈન બજારમાં ગોઠણભેર પાણી ભરાયાં હતાં, તો કોઠારાનાં તળાવની આવ ચાલુ થઈ ગઈ હતી. ખીરસરા (કોઠારા)થી સરપંચ મામદભાઈ સુમરાના જણાવ્યા મુજબ અહીં ત્રણ ઈંચ વરસાદ પડયો હતો. વરાડિયા ગામે બે ઈંચ વરસાદની માહિતી સંદીપ સેવકે આપી હતી. ધનાવાડા, ગઢવાડા, નાગોર ત્રણ ઈંચથી પાણી પાણી થયા હતા. મોમાયા ફાર્મ ચાર રસ્તા પર પાણી ફરી વળતાં વાહનચાલકો અટવાયા હતા, એવું સામત ગોરડિયાએ જણાવ્યું હતું. સાંધવમાં ત્રણ ઈંચ વરસાદથી નદી આવી ગઈ હોવાનું મયૂર ગોરે કહ્યું હતું. ભાચુંડામાં ચાર ઈંચ વરસાદની માહિતી નવીનગર ગોસ્વામીએ આપી હતી. કનકપરમાં સરપંચ ચંદ્રિકાબેન રંગણીના જણાવ્યા મુજબ આજે એક કલાકમાં દોઢ ઈંચ વરસાદ પડયો હતો. વિંઝાણમાં બે ઈંચ વરસાદ વરસ્યાનું સરપંચ સજ્જનસિંહ જાડેજાએ જણાવ્યું હતું. ખીરસરા (વિંઝાણ), હાજાપર, મિયાણી, નારાણપર સહિતનાં ગામોમાં બે ઈંચ વરસાદ પડયો હતો. ડુમરા- વરંડી સહિતનાં ગામોમાં બે ઈંચ પાણી પડયાનું ચકુભા જાડેજાએ કહ્યું હતું. આરીખાણા, બેરા, સુથરીમાં બેથી અઢી ઈંચ વરસાદની વિગત સરપંચ મહેન્દ્રસિંહ જાડેજાએ આપી હતી. ખુઅડામાં બે ઈંચ વરસાદનું વિક્રમસિંહ ભાટીએ તો તેરામાં બે ઈંચ વરસાદ પડયાનું ગિરીશ શાહે કહ્યું હતું. રવા-બીટિયારી સહિતનાં ગામોમાં બેથી ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. - રવાપરમાં બે ઈંચ : સતત બીજા દિવસે રવાપર સહિત આજુબાજુના વિસ્તારમાં ભારે વરસાદથી માર્ગો જળમગ્ન બન્યા હતા. ગઈકાલ કરતાં આજે વરસાદનું જોર વધારે રહ્યું હતું. ગઈકાલે દોઢેક ઈંચ વરસાદ બાદ આજે વધુ બે ઇંચ જેટલો વરસાદ પડયો હતો. રવાપર, નવાવાસ, નાગવીરી, આમારા, વિગોડી, ઐયર, ઘડાણી, વાલકા, હરિપર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સચરાચર વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી હતી. નાગવીરી, આમારાનાં તળાવો ઓગની ગયાં હતાં. - ગરડા પંથકમાં ઝરમર : આ વિસ્તારના વાયોર, પદ્ધરવાડી, ઉકીર, વાગોઠ, ભોઆ, ફુલાય, વાઘાપદ્ધર, સારંગવાડા, વલસરા, વડસર, કોષા, અકરી, મોટી બેર, રોહા સહિતનાં ગામોમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો, જે મગફળી, દિવેલા માટે આશીર્વાદરૂપ સાબિત થયાનું જાડેજા કિશોરસિંહએ જણાવ્યું હતું. નખત્રાણાના ખોંભડી વિસ્તારમાં વરસાદી પાણીના  પ્રવાહમાં તણાતાં ચાર ગાય મોતને ભેટી હતી. ગઇકાલે આ ગાયો તણાયા બાદ આજે તેના મૃતદેહ નીકળ્યા હતા. - વાવણીલાયક વરસાદ : છેવાડાના લખપત તાલુકામાં આજે  મેઘરાજાએ પવન અને ગાજવીજ સાથે મહેર વરસાવી હતી. તાલુકાના મુખ્ય મથક દયાપર સહિત વિરાણી, ઘડુલી, મેઘપર, દોલતપર, બીટિયારી, ધારેશી વિસ્તારમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. તાલુકાના બંને તીર્થધામ માતાના મઢ અને નારાયણ સરોવર ખાતે મેઘરાજાએ  હાજરી પુરાવી હતી. માતાના મઢ ખાતે દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. લિગ્નાઇટ ખાણમાં લિગ્નાઇટ લોડિંગને પણ અસર પહોંચી હતી. પાનધ્રો વિસ્તારમાં નવાનગર, પાનધ્રો એકતા નગર, ફુલરા વિસ્તારમાં એકથી દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. પાનધ્રોની કાળી નદીમાં  પાણીનો પ્રવાહ વધતાં પાનધ્રો ડાયવર્ઝન પાસે વાહનવ્યવહાર અટવાયો હતો, તો પાનધ્રો ગામ નજીક આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પાણી ભરાયું હતું. છતાં ક્રિકેટના શોખીનોએ પાણીમાં ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું હતું. કૈયારી, કપુરાશી, કોરિયાણી વિસ્તારમાં પણ વરસાદી ઝાપટાં પડયાં હતાં.દયાપર ખાતે કન્ટ્રોલરૂમનો સંપર્ક કરતાં 36 મિ.મી. વરસાદ નોંધાયો હતો. અગાઉનો કુલ વરસાદ 128 મિ.મી. અને 36 મિ.મી. આજના વરસાદથી કુલ 154 મિ.મી. વરસાદ થતાં તાલુકામાંથી સરકારી ચોપડે અછતના ઓળા દૂર થયા છે. ખેડૂતોએ વાવણીલાયક કામમાં લાગી જવાનો રાજીપો વ્યકત કર્યો હતો. - દહીંસરામાં દોઢ ઇંચ મીં : સતત બીજા દિવસે  મેઘરાજાએ હાજરી પુરાવતા સાડા અગિયારથી સાડા બાર એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. હરિ સરોવર, રામસાગર, નામોરાઇ તળાવ, ગજોડ ડેમ, ધુણઇ ડેમ, વિજયસાગર ડેમ, ચાડવા રખાલ સરોવરમાં નવાં નીરની આવક થઇ હતી. - નાની સિંચાઇના આઠ ડેમ ઓવરફ્લો : કચ્છના અલગ-અલગ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે મેઘકૃપાનાં પગલે નાની સિંચાઇ યોજનાના આઠ ડેમ ઓવરફ્લો થયા છે. છલકાઇ ગયેલા ડેમમાં સામત્રા, ચુનડી, ઘોડાલખ, ગેલડા, ગડાપુઠા, ખારડિયા, કોટડા રોહા અને ઉમરસરનો સમાવેશ થાય છે. નખત્રાણા તાલુકામાં સૌથી વધુ ચાર ડેમ છલકાયા છે. 

Panchang

dd