નવી દિલ્હી, તા. 5 : વિશ્વ ફૂટબોલના
મહાનતમ ખેલાડીઓમાં સ્થાન ધરાવતા પોર્ટુગલના સ્ટાર ફોરવર્ડ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આંતરરાષ્ટ્રીય
ફૂટબોલમાંથી સત્તાવાર નિવૃત્તિ જાહેર કરી દીધી છે. 23 વર્ષ લાંબી ઐતિહાસિક કારકિર્દી, છ વર્લ્ડ કપ અને 234 આંતરરાષ્ટ્રીય મેચોમાં વિશ્વવિક્રમી
146 ગોલ ફટકાર્યા બાદ તેણે ચાહકોને
ભાવુક વીડિયો સંદેશ દ્વારા રાષ્ટ્રીય જર્સીને કાયમ માટે અલવિદા કહ્યું છે. નેશનલ ટીમના
કેમ્પમાંથી બહાર નીકળી જવા બદલ પોર્ટુગીઝ ફૂટબોલ ફેડરેશન દ્વારા રોનાલ્ડો પર ક285નો દંડ ફટકારવામાં આવ્યો હતો
અને 30 દિવસ માટે રાષ્ટ્રીય ટીમમાંથી
સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. તેના બરાબર બે અઠવાડિયા બાદ આ નિર્ણય સામે આવ્યો છે. જોકે, 40 વર્ષીય રોનાલ્ડો
ક્લબ ફૂટબોલ રમવાનું ચાલુ રાખશે અને હાલ સાઉદી અરેબિયાની અલ-નાસર ક્લબ વતી સીઝનના અંત
સુધી મેદાનમાં જોવા મળશે. કારકિર્દીમાં 1,000 ગોલના ઐતિહાસિક આંકડાને સ્પર્શવાની નજીક પહોંચેલા રોનાલ્ડોના
નામે હાલ 985 ગોલ નોંધાયેલા છે. ઓગસ્ટ 2003માં આંતરરાષ્ટ્રીય પદાર્પણ
કરનાર રોનાલ્ડોએ પોતાની કેપ્ટનશીપ હેઠળ પોર્ટુગલને 2016માં સૌપ્રથમવાર યુરો કપ અને 2019માં નેશન્સ લીગ ચેમ્પિયન બનાવ્યું હતું. રાષ્ટ્રીય ટીમ માટે
તેની આખરી મેચ 24 સપ્ટેમ્બરે વેલ્સ સામે હતી, જેમાં પોર્ટુગલનો 1-0થી વિજય થયો હતો. પોતાના નિવૃત્તિના
વીડિયોમાં રોનાલ્ડોએ જણાવ્યું હતું કે, પોર્ટુગલની જનતાને, મારી રાષ્ટ્રીય ટીમની 7 નંબરની જર્સી પરત કરવાનો દિવસ આવી ગયો છે.
મને ક્યારેય એવું નહોતું લાગ્યું કે આ ફક્ત મારી જ છે, પરંતુ 23 વર્ષ સુધી મને તેને પહેરવાનો, તેનું રક્ષણ કરવાનો અને વિશ્વભરના સ્ટેડિયમોમાં
તેને સાથે લઈ જવાનો લહાવો અને જવાબદારી મળી. આજે, તેને ભવિષ્યની
પેઢીને સોંપવાનો સમય આવી ગયો છે. આ કોઈ સરળ નિર્ણય નહોતો, કારણ
કે કેટલાક નિર્ણયો ફક્ત મગજથી નથી લેવાતા, તે હૃદયથી પણ લેવામાં
આવે છે.