• શનિવાર, 07 નવેમ્બર, 2026

ધનતેરસે દેશમાં એક લાખ કરોડના વેપારના શુકન

નવી દિલ્હી, તા. 6 : ધનતેરસના ભારતમાં રૂા. 1 લાખ કરોડથી વધુનો કારોબાર થવાની ધારણા છે, જેમાં સોના-ચાંદીની ભાવમાં વધારો થવા છતાં સોના અને ચાંદીનું વેચાણ રૂા. 60,000 કરોડથી વધુ થવાની શક્યતા છે. એમ કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ સી.એ.આઇ.ટી.એ જણાવ્યું હતું. સી.એ.આઈ.ટી.એ જણાવ્યું હતું કે, દિવાળી પ્રસંગે સૌથી મહત્ત્વપૂર્ણ ખરીદીના દિવસોમાંના એક ધનતેરસ સાથે પરંપરાગત રીતે સંકળાયેલી ખરીદી ગ્રાહકો દ્વારા ચાલુ રહેતાં માહોલ મજબૂત રહ્યો હતો. દરમિયાન, ઓલ ઈન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડસ્મિથ ફેડરેશને જણાવ્યું હતું કે, સોના-ચાંદીના ઊંચા ભાવ છતાં માંગ મજબૂત રહી છે, ખરીદદારો વધુ ને વધુ હળવા વજનના ઘરેણાં અને પરંપરાગત રોકાણ ઉત્પાદનો પસંદ કરે છે. સી.એ.આઈ.ટી.એ અગાઉ એવો અંદાજ લગાવ્યો હતો કે, નવરાત્રિથી દિવાળી દરમિયાન ભારતનો તહેવારોનો વેપાર આ વર્ષે રૂા. 7 લાખ કરોડને પાર કરશે, જે પાછલા વર્ષની સરખામણીમાં 15-18 ટકાની અંદાજિત વૃદ્ધિને પ્રતિબિંબિત કરે છે, ત્યારબાદ ધનતેરસનો મજબૂત અંદાજ આવ્યો છે. જો કે, ઓલ ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના પ્રાથમિક અંદાજ અનુસાર દેશભરમાં આજે સોનાનો લગભગ રૂા. 66,000 કરોડનો બિઝનેસ થયો છે. ગત વર્ષની સરખામણીમાં આજે કિંમતની દૃષ્ટિએ 15થી 20 ટકા વધારો જોવા મળ્યો છે. જો કે, ગત વર્ષની તુલનાએ વજનની રીતે દાગીનાની ખરીદી ઘટી હતી, પણ કિંમતો વધુ હોવાથી એકંદરે વેપાર વધુ થયો હતો. ઓલ ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના અધ્યક્ષ રાજેશ રોકડેએ અખબારી નિવેદન દ્વારા જણાવાયું છે કે, સોનાના જથ્થાની દૃષ્ટિએ તેનો બિઝનેસ ગત વર્ષના જેટલો જ રહેવાની ધારણા છે. જ્યારે  રૂપિયાની દૃષ્ટિએ ગણતા તેનો વેપાર લગભગ 15 ટકા વધારો દર્શાવે છે. ઝવેરાત ઉદ્યોગ માટે આ ચોક્કસપણે ઉત્સાહજનક આરંભ છે. સોનાની બજાર માટે હાલ સકારાત્મક બાબત એ છે કે, ગત ચારથી છ માસની સરખામણીએ ભાવ ઓછા છે, તેથી ગ્રાહકોને સોનું ખરીદવામાં રસ વધ્યો છે. વર્ષ 2023માં સોનાનો ભાવ દસ ગ્રામ દીઠ રૂા. 60,000 હતો. વર્ષ 2024માં દસ ગ્રામનો ભાવ રૂા. 80,000 હતો. વર્ષ 2025માં દસ ગ્રામ સોનાનો ભાવ વધીને દસ ગ્રામ દીઠ રૂા. 1,20,000 સુધી પહોંચ્યો હતો. જો કે, આજે સોનાનો ભાવ દસ ગ્રામ દીઠ રૂા. 1,42,000 રહ્યો હતો. આ બાબત સ્પષ્ટપણે દર્શાવે છે કે, સોનામાં રોકાણ સામે સારું વળતર મળી રહ્યું છે. ચાંદીના ભાવમાં પણ રોકાણકારોને સારું વળતર મળ્યું છે, એમ રોકડેએ ઉમેર્યું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd