હેમંત ચાવડા દ્વારા : ભુજ, તા. 6 : દિવાળી પર્વે લોકોની આગતા સ્વાગતા
કરવામાં મોખરાનું સ્થાન ધરાવતા સૂકામેવાની બજાર ઊંચા ભાવો છતાં શિરમોર રહેવાનો સૂર
ભુજની નવી જથ્થાબંધ સહિતના વેપારીઓમાંથી સાંભળવા મળી રહ્યો છે. આજથી ત્રણ દાયકા અગાઉ
નવા વર્ષે ઘરના ટેબલો પર દેશી ઘીની મીઠાઈઓ ગોઠવાતી,
પરંતુ કચ્છમાં 2001માં આવેલા ભૂકંપ બાદ લોકોનું જીવનધોરણ ઊંચુ આવતાં સૂકામેવાએ
સ્થાન જમાવ્યું છે, તો મિત્ર-સંબંધીઓને
પણ ગિફ્ટમાં દેશી અથવા વનસ્પતિ ઘીમાંથી બનાવાયેલી મીઠાઈ આપવાને બદલે સૂકામેવાના ગિફ્ટ
બોક્સનું ચલણ વધ્યું છે, જેના કારણે માંગ પણ વધી રહી છે. કચ્છમિત્રની
ટીમે ભુજની નવી જથ્થાબંધ બજાર તેમજ શહેરના જુદા-જુદા વેપારીઓની લીધેલી મુલાકાત બાદ
પ્રાપ્ત વિગતો મુજબ દિવાળીના તહેવારો દરમ્યાન સૂકામેવાનું વેચાણ સામાન્ય દિવસો કરતાં
બમણું થઈ જાય છે, એટલે કે, સમગ્ર કચ્છમાં
જુદા-જુદા વેપારી દ્વારા 8થી 10 કરોડનો કારોબાર થતો હોવાનો
અંદાજ છે. - કાજુ અને બદામનો ઉપાડ : ભુજની જથ્થાબંધ
બજારના હોલસેલર પૂનલ ટ્રેડર્સના દીપેશભાઈ દોશીના જણાવ્યા અનુસાર આ દિવસોમાં કાજુ અને
બદામનો ઉપાડ વધી જતો હોય છે, તેનું
કારણ આપતાં શ્રી દોશીએ કહ્યું કે, આ બંને સૂકામેવાનું મીઠાઈમાં
ખૂબ જ ઉપયોગ થતો હોય છે. - મામરો બદામ
3500 : આફ્રિકા,
તાન્ઝાનિયાથી રો મટિરિયલ સ્વરૂપે આવતા કાજુના ભાવ વધારા અંગે દીપેશભાઈએ
કહ્યું કે, કાજુની ક્વોલિટી પ્રમાણે 850થી 1250 સુધીના ભાવો હોય છે. તો કેલિફોર્નિયાથી
આવતી બદામનું મુંબઈ, અમદાવાદ અને
ભુજમાં શોર્ટિંગ થાય છે, જેના ભાવો રૂા. 1050થી 1250 સુધીના છે, જ્યારે અફઘાનિસ્તાન, ઈરાન
અને કાશ્મીરથી આવતી મામરો બદામ 3500 રૂપિયે કિલો વેચાય છે. ડોડા પિસ્તા હાલ 1800 અને સાદા પિસ્તાનો 2700થી 2800 કિલોનો ભાવ છે. - ભાવોમાં દોઢથી બેગણો વધારો : આ વખતે વૈશ્વિક
યુદ્ધ જેવી સ્થિતિના કારણે મોંઘવારીના કારણે ભાવોમમાં દોઢથી બેગણો વધારો થયો છે, તો અંજીર, અખરોટ,
જરદાલુ, કિસમીસ, કાળી દ્રાક્ષ
સહિતના ભાવો પણ વધ્યા છે. મીઠાઈના સ્થાને સૂકામેવો બજારના અન્ય એક વેપારીએ જણાવ્યું
કે, કાજુના 800થી 1300 રૂપિયા અને
બદામના ભાવ 900થી 1400 હોવાનું જણાવ્યું હતું, જો કે, નવો માલ આવવાની
તૈયારી હોવાથી બદામમાં નજીવો ઘટાડો થયો છે. વળી, ખાનગી કંપનીઓ
પણ દિવાળી જેવા તહેવારમાં પોતાના કર્મચારીઓને મીઠાઈના સ્થાને સૂકામેવાની ગિફ્ટ આપતી
હોય છે તેથી ખપત વધે છે. - હાલ મર્યાદિત
ઘરાકી : કચ્છના સૂકામેવાના સેમિ તેમજ રિટેલ વિક્રેતા
વિક્રમ ટ્રેડર્સવાળા વિક્રમ કોઠારીએ કચ્છમિત્ર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, આ વખતે સૂકામેવાના ભાવોમાં સવાથી દોઢગણો ભાવ
વધારો હોવાથી મર્યાદિત ઘરાકી છે, જો કે, દિવાળી નજીક આવતાં ઘરકી વધવાની આશા તેમણે વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે,
વર્તમાન સમયમાં મીઠાઈના શો-રૂમમાં લોકો ગિફ્ટ પેકિંગના બુકિંગ કરાવતા
હોવાથી બજારમાં તેની અસર પડે છે. ચાલુ વર્ષે કાજુ 1100થી 1200, બદામ 1200, પિસ્તા 1800, અખરોટ 800, અંજીર 600થી 2500ની આસપાસ ભાવો છે.