જિજ્ઞેશ આચાર્ય દ્વારા : ગઢશીશા, તા. 6 : માંડવી તાલુકાના મોટા એવા ગઢશીશા
ગામની બજારમાં બે દિવસથી દિવાળી પર્વનો માહોલ જામતો જોવા મળ્યો છે. 40થી વધારે ગામોના મુખ્ય મથક સમા આ ગામે સોઇથી
સોનાં જેવી કિંમતી વસ્તુ તથા દ્વિચક્રી વાહનોના શો-રૂમો તથા કાપડ, મીઠાઇ, સોનાં-ચાંદીની
ખરીદી જામી છે. - વિવિધ ઓફર : નાના-નાના
અને અલ્પ વિકસિત ગામડાંના લોકોને આકર્ષવા ઇલેકટ્રોનિક ઉપકરણોની દુકાનોમાં મોબાઇલ, ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન તથા અન્ય ઉપકરણો સાથે દ્વિચક્રી વાહનો માટે ઝીરો ટકાના વ્યાજ અને માસિક સરળ હપ્તાથી વસ્તુઓ
સાથે ઇનામી યોજના તથા ક્રેચ કાર્ડ જેવી વિવિધ સ્કીમો આપી આકર્ષવા માટે સોશિયલ મીડિયાનો
ઉપયોગ પણ થઇ રહ્યો છે. - 25થી વધારે સ્ટોલ : ગઢશીશા તથા સમગ્ર પંથક માટે દિવાળીનું વધારે મહત્ત્વ છે, તેવા અવનવી વેરાયટીના ફટાકડા માટે અંદાજિત 25થી વધારે સ્ટોલ લાગ્યા છે, જેમાં જાત-ભાતના અને અલગ-અલગ વેરાયટીના ફટાકડા
પણ ઉપલબ્ધ બન્યા છે. - દરેક દુકાનોમાં
ભીડ : અહીં મીઠાઇ, કપડાં, ફૂટવેર, કટલેરી, સોનાં-ચાંદી
જેવા તમામ નાના-મોટા વ્યાપારી પ્રતિષ્ઠાનો પણ ઘર સજાવટ માટે લોકોની ભીડ છેલ્લે-છેલ્લે
પણ જોવા મળી રહી છે. કારણ કે, શહેરોમાં ખરીદી માટે જવાથી સમય વ્યર્થ જાય છે અને ગામડાંઓ કરતાં થોડીક મોંઘી
વસ્તુ મળતી હોવાથી પણ આંતરિક ગણગણાટ જોવા મળતાં લોકો સ્થાનિકે જ ખરીદી કરવા આગ્રહ રાખે
છે. - ખેડૂતો ખેતીવાડીમાં વ્યસ્ત
: ચાલુ વર્ષે મેઘરાજા રીસામણે હોતાં વ્યાપારી
વર્ગમાં મંદીના માહોલનો ભય હતો, પરંતુ
મંદી હોવા છતાં પણ ઉત્સવ ઊજવવામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે અમુક વિસ્તારોમાં ખેડૂતો હજી પણ વાડીવિસ્તારમાં મગફળીની કામગીરીમાં
વ્યસ્ત જોવા મળી રહ્યા છે.