ભુજ, તા. 6 : શહેરના લોટસ કોલોની વિસ્તારમાં
વૃદ્ધાને જોરજબસ્તી રિક્ષામાં બેસાડી તેની સોનાની બંગડી સેરવી લેવાની ઘટનાથી ચકચાર
ફેલાઈ હતી. આ બનાવ સંદર્ભે ભોગ બનનારે ભુજ શહેર બી-ડિવિઝન પોલીસ મથકમાં અરજી કરી હોવાની
વિગતો પ્રાપ્ત થઈ હતી. જો કે, આ બાબતે
બી-ડિવિઝન પોલીસ મથકનો વારંવાર સંપર્ક કરતાં રાત્રિ ફરજ પરના અધિકારીએ તપાસ ચાલુ હોવાનું
જણાવ્યું હતું. ઘટના અંગે પ્રાપ્ત થયેલી વિગતો મુજબ, મંદિરે દર્શન
કરવા ગયેલા વૃદ્ધાને અજાણ્યા રિક્ષાચાલકે જોરજબસ્તી વાહનમાં બેસાડયા હતા, જેમાં પહેલાંથી જ અન્ય લોકો બેઠેલા હતા. થોડા સમય બાદ વૃદ્ધાએ આનાકાની કરતાં
તે રિક્ષામાંથી ઊતરી ગયા હતા. દરમિયાન સોનાની બંગડીઓ કોઈ હથિયાર વડે કાપી લેવાઈ હતી.
વૃદ્ધા જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે પરિવારને આપવીતી કહેતાં બી-ડિવિઝન પોલીસ મથકે અરજી
કરાઈ હતી.