જયદીપ જોષી દ્વારા : ભુજ, તા. 6 : પ્રકાશ પર્વ એ એકબીજાને ગમતા
રહીએ તેવો સંકલ્પ લેવાનું અને પાળવાનું વણજોયું મુહૂર્ત છે. આ પાવન અવસરે એકબીજાને
ભેટ આપવાની પરંપરા વર્ષોથી આપણી સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો બની રહી છે. ભેટ ભલે નાની
હોય કે મોટી, પરંતુ તેની પાછળ છુપાયેલી
લાગણી અમૂલ્ય હોય છે. કોઈના માટે પસંદ કરેલી નાનકડી ભેટમાં પણ પ્રેમ, આદર, કાળજી અને આત્મીયતાની અનેક અભિવ્યક્તિઓ સમાયેલી
હોય છે. તેમાં પણ વર્ષોની પરંપરાને બદલવામાં સોશિયલ મીડિયાની મહત્ત્વની ભૂમિકા જોવા
મળી હતી. મોંઘવારીના માર વચ્ચે પણ ભુજની બજારોમાં તહેવારી તેજીનો માહોલ જોવા મળ્યો
હતો, તો ક્યાંક ઉત્સવોના ઉમંગ વચ્ચે ઓછપ પણ વર્તાઈ હતી. - લાગણીઓની આપ-લેનું પર્વ : ખરેખર,
દિવાળીની ભેટ એ માત્ર વસ્તુની આપ-લે નથી, પરંતુ
લાગણીઓની આપ-લે છે, જે સંબંધોને વધુ ગાઢ બનાવે છે. એક સમયે મીઠાઈના
બોક્સ, સૂકા મેવા અને પરંપરાગત ભેટો દિવાળીની ખુશીઓ વહેંચવાનું
માધ્યમ બનતાં હતાં, ત્યારે આજે ગિફ્ટિગની દુનિયા ઘણી વિશાળ અને
વૈવિધ્યસભર બની છે. હવે લોકો માત્ર ભેટ આપવાને બદલે સામેની વ્યક્તિની પસંદગી,
જરૂરિયાત અને વ્યક્તિત્વને ધ્યાનમાં રાખીને ગિફ્ટની પસંદગી કરતા થયા
છે. - ભુજની બજારોમાં અવનવી વેરાયટી
: ભુજની બજારમાં લટાર મારતાં જોવા મળ્યું
કે, પર્સનલાઇઝ્ડ ગિફ્ટ્સ, કસ્ટમાઇઝ્ડ ફોટોફ્રેમ, નામ લખેલી વસ્તુઓ, હેન્ડમેડ ગિફ્ટ્સ, ડેકોરેટિવ આઇટમ્સ, પ્રીમિયમ ગિફ્ટ હેમ્પર્સ, ઓર્ગેનિક પ્રોડક્ટ્સ અને ઇકો-ફ્રેન્ડલી
ભેટોની અવનવી વેરાયટીઓથી દુકાનો ઝળહળી રહી છે. - હેન્ડક્રાફ્ટસનું ચલણ વધ્યું
: ખાસ કરીને ચોકલેટ હેમ્પર્સ, ડ્રાયફ્રૂટ બાસ્કેટ, સુગંધિત
મીણબત્તીઓ, સ્કિનકેર કિટ્સ, ઇન્ડોર પ્લાન્ટ્સ
અને હેન્ડક્રાફ્ટેડ વસ્તુઓની ખરીદીનું ચલણ વધ્યું છે, પરંતુ આવા
ગિફ્ટ હેમ્પર્સની કિંમતોમાં આવેલા ઉછાળાથી ક્યાંક મોંઘવારીએ લોકોના ઉત્સાહમાં ઊણપ લાવી
દીધી છે, તેમ છતાં દરેક બજેટને અનુરૂપ વસ્તુઓ મળતી હોવાથી લોકો
ખરીદી તો કરે જ છે. - પર્સનલાઈઝ્ડ
ગિફ્ટિંગ વધ્યું : ભુજ છઠ્ઠીબારી
રિંગરોડ પર આવેલી પ્રેમ ગિફ્ટસના પ્રેમલભાઈ ઠક્કર જણાવે છે કે, હાલમાં ગિફ્ટસમાં અવનવી વેરાયટીઓ આવી છે, તેમાં પણ લોકો પોતાના સ્નેહીજનો માટે તેમને ગમે તેવી ગિફ્ટસ પર તેમનું નામ
લખાવવાનું વધુ પસંદ કરે છે, જેમાં વોલેટ્સ, પેન્સ, ટી કપ, પિલ્લો સહિત પર અવનવી
ડિઝાઈન્સમાં જેને આપવાનું છે, તેમનું નામ લખાવે છે. - ગિફ્ટ હેમ્પર્સની પરંપરા : ભુજમાં ફેમિલી
ફાઈન્ડ્સ નામની દુકાન ધરાવતા રાજભાઈ કહે છે કે, છેલ્લા ઘણા વર્ષોથી ગિફ્ટ હેમ્પર્સનું ચલણ વધ્યું છે, પણ હાલમાં તે પરંપરામાં ઉછાળો આવ્યો છે.