• શનિવાર, 07 નવેમ્બર, 2026

તેજીનો તોખાર પૂરપાટ... શેરબજારે ધનતેરસ ઊજવી

મુંબઇ, તા. 6 : ભારતીય શેરબજારે શુક્રવારે સતત સાતમા દિવસે ઉછાળા સાથે ધનતેરસની ઉજવણી કરી હતી. નવેસરથી વિશ્વાસભેર વિદેશી રોકાણોના શરૂ થયેલા પ્રવાહ સાથે ક્રૂડતેલની કિંમતો ઘટી જતાં રોકાણકારોના ઉત્સાહમાં વધારો થયો હતો, જેની સીધી અસરરૂપે સેન્સેક્સ 1718 આંકના ઉછાળા સાથે આઠ મહિના બાદ 80 હજારને પાર પહોંચી ગયો હતો. એ જ રીતે 494 આંકના ઉછાળા સાથે નિફ્ટી 25,030નાં સ્તર સાથે નવ મહિનાની ટોચ પર પહોંચી ગયો હતો. વિદેશી રોકાણકારોએ છેલ્લા સાત દિવસ દરમ્યાન 32 હજાર કરોડથી વધુનું જંગી રોકાણ કર્યું છે, જેના કારણે ઘરેલુ શેરબજારને મજબૂત ટેકો મળ્યો છે. ભારતીય શેરબજારમાં સાત દિવસમં 10 ટકાથી વધુ તેજી આવી છે. સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાના કંપનીઓનાં મજબૂત પરિણામોથી પણ બજારના સેન્ટીમેન્ટમાં સુધારો આવ્યો છે.બીએસઇનો આધારિત આંક સેન્સેક્સ શુક્રવારે 1718.01 આંક અર્થાત 2.17 ટકાની તેજી સાથે દિવસના અંતે 81,028.02 પર બંધ રહ્યો હતો. તહેવારોમાં તોફાની તેજીની અસરરૂપે રૂપિયો પણ ડોલર સામે 56 પૈસાના સુધારા સાથે 93.91 પર બંધ થયો હતો. આજના કારોબારી સત્ર દરમ્યાન 1681 શેરોમાં તેજી રહી, 2400 શેરોમાં ઘટાડો આવ્યો, તો 148 શેરોમાં કોઇ વધ-ઘટ જોવા મળી નહોતી. નિફટીમાં આઇસીઆઇસીઆઇ બેન્ક, એમ એન્ડ એમ, એચડીએફસી બેન્ક, એક્સિસ બેન્ક અને ટાઇટન કંપનીના શેરોમાં સૌથી વધુ તેજી જોવા મળી હતી. છેલ્લાં ત્રણ વર્ષમાં પહેલીવાર બજારમાં લગાતાર સાત દિવસથી જારી તેજી દરમ્યાન સેન્સેક્સમાં આ ગાળામાં 7781.99 આંક અથવા 10.62 ટકાનો ઉછાળો નોંધાયો છે. એ જ રીતે આ સમયગાળા દરમ્યાન નિફટીમાં 2331.5 પોઇન્ટ એટલે કે, 10.27 ટકાનો ઉછાળો આવી ચૂક્યો છે. બીજી તરફ વિશ્વની અમેરિકા, ચીનથી માંડીને  જાપાનની બજારોમાં તબાહી મચી ગઇ હતી. જાપાનની બજારમાં મોટો કડાકો આવ્યો હતો. છ ટકા એટલે કે, 3600 આંકથી વધુ તૂટયા હતા. ચીનની બજારમાં પણ 1.20 ટકાનો ઘટાડો આવ્યો હતો. વિશ્વભરની બજારોમાં કડાકા વચ્ચે પણ ભારતીય શેરબજાર આજે મજબૂત રહી હતી. - રૂપિયો મજબૂત : છ માસની ઊંચી સપાટીએ :  નવી દિલ્હી, તા. 6 : વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઈ)ની સ્થાનિક ઇક્વિટી બજારમાં ફરીથી વાપસી અને બ્રેન્ટ ક્રૂડના ભાવમાં લગભગ 20 ટકાના ઘટાડાને કારણે આ સપ્તાહ દરમિયાન ભારતીય રૂપિયો 1.2 ટકા મજબૂત થયો હતો. શુક્રવારે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) દ્વારા 93.88ના સ્તરની આસપાસ ડોલરની ખરીદી કરવામાં આવતાં રૂપિયાની તેજી  મર્યાદિત રહી હતી. શુક્રવારે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે 56 પૈસા મજબૂત થઈને 93.91ના સ્તરે બંધ થયો હતો. 12 ઓક્ટોબર પછી એક જ દિવસમાં રૂપિયામાં નોંધાયેલો આ સૌથી મોટો ઉછાળો છે. અગાઉના કારોબારી સત્રમાં રૂપિયો 94.47ના સ્તરે બંધ થયો હતો. આજના કારોબારી સત્ર દરમિયાન ભારતીય રૂપિયો છ મહિનાની ઊંચી સપાટીએ પણ પહોંચ્યો હતો. તેના કારણે આ સપ્તાહ દરમિયાન રૂપિયામાં લગભગ 1.2 ટકાનો વધારો નોંધાયો હતો અને તે એશિયામાં સૌથી સારું પ્રદર્શન કરનારી કરન્સીમાંની એક બન્યો હતો. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd