ગાંધીધામ, તા. 6 : રેલવે દ્વારા એન્જિન રિવર્સલનો સમય બચાવવા માટે નિર્માણ કરાયેલાં ગોપાલપુર રેલવે
સ્ટેશન ખાતે ઔદ્યોગિક સમૂહના સહયોગથી પ્રવાસીઓ
માટે વધુ એક સારી સુવિધા ઉપલબ્ધ બની છે. આજે એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ ઉપર જવા માટે
બેટરી આધારિત કારનું લોકાર્પણ કરાયું હતું. ગોપાલપુર રેલવે સ્ટેશન કચ્છનું પ્રથમ એવું
રેલવે સ્ટેશન છે કે, જ્યાં અંડરપાસ
છે. અંડરપાસ લાંબો હોવાથી ખાસ કરીને વયસ્ક પ્રવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સમસ્યા નિવારવા માટે ફ્રેન્ડસ ગ્રુપ દ્વારા રેલવે સ્ટેશન ખાતે બેટરી આધારિત
કાર ફાળવવામાં આવી છે. આજે દાતા ફ્રેન્ડસ ગ્રુપના સુખરાજ સિંઘવીની ઉપસ્થિતિમાં
એરિયા રેલવે મેનેજર હેમંતકુમારસિંઘ કાદિયાનને કારની ચાવી સુપરત કરવામાં આવી હતી. આ પ્રસંગે કંડલા ચેમ્બર
ઓફ કોમર્સના પ્રમુખ દિનેશ ગુપ્તાએ જણાવ્યું
હતું કે, સ્ટેશન ઉપર આવતા ગાંધીધામ અને આદિપુરના પ્રવાસીઓને સારી
સુવિધા મળે તે હેતુથી ફ્રેન્ડસ ગ્રુપ દ્વારા આ કાર ફાળવવામાં આવી છે અને આ સુવિધાથી
પ્રવાસીઓને બીજા પ્લેટફોર્મ અને કોચ સુધી પહોંચવામાં
સરળતા રહેશે. કંડલા ચેમ્બર ઓફ કોમર્સ આ સુવિધાનું
સંચાલન કરશે અને આગામી સમયમાં બીજી બેટરી કાર પણ આપવામાં આવશે. આ વેળાએ
ફ્રેન્ડસ ગ્રુપના અશોક સિંઘવી, જિતેન્દ્ર સિંઘવી, મુકેશ સિંઘવી, મૃદુલ સિંઘવી, મયંક સિંઘવી , કંડલા ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ મહાદેવ રાજાણી, મંત્રી જિતેન્દ્ર સી. જૈન (શેઠિયા),
ખજાનચી જિગર પટેલ, કારોબારી સદસ્ય નંદલાલ ગોયલ, ધર્મેશ દોશી, સુધીર ગોયલ, એઆરએમ સચિવ સંજિતસિંઘ, વાણીજ્ય સ્ટેશન
અધિક્ષક રાહુલ ડાબલા ઉપસ્થિત રહ્યા હતા.