દેવેન્દ્ર વ્યાસ દ્વારા : માંડવી, તા. 6 : અછતનું વર્ષ, ઓનલાઇન ખરીદી અને મોલ સાથે મહોબતની વધતી માનસિકતાના
પડકારો વચ્ચે પ્રારંભિક શુષ્ક બજારોમાં છેલ્લા ત્રણ-ચાર દિવસોમાં ભીડ જોવા મળી રહી
છે. હોટેલોમાં વધેલા ભાવનાં કારણે અપેક્ષાઓ સામે `ઠીક-ઠીક'
દિવાળીનો સૂર સંભળાય છે. મોજ-શોખની વસ્તુઓની ખરીદીમાં મોં માગ્યા ભાવ
આપવા ઘરાક પાછો નથી પડતો. દ્વિચક્રી વાહનોના વ્યવસાયમાં મોંઘવારી નડી નથી એવું બજારપારખુઓ
કહે છે. ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ વાડીલાલ દોશીએ કહ્યું હતું કે, પાછલા દિવસોમાં બજારોમાં ભીડ-ગિરદી જોવા મળે છે. નબળા વર્ષનાં કારણે ખેતઉત્પાદનો-નાણાંની
અછતે બજારોને અસર કરી છે. જો કે, નવાં વર્ષને આવકારવા ઉપભોકતા
પછેડી પ્રમાણે સોડ તાણવા ઉત્સાહિત જોવાય છે. દ્વિચક્રી હોન્ડાના શો-રૂમમાંથી રાજ ઠક્કર
અને મેનેજર દર્શન મકવાણાએ કહ્યું કે, ગત વર્ષ કરતાં માર્કેટ સારી
છે. માર્કેટિંગને લીધે વધુ ફાયદો છે. રોજ બે-ચાર વાહન વેચાય છે. નવરાત્રિથી ઘરાકીમાં
ચમક વર્તાઇ છે. `હીરો'ના વિક્રેતા ગિરીશભાઇ ભણશાલીએ જણાવ્યું કે,
ગત વર્ષની તુલનાએ ફાયનાન્સનો
રેશિયો બદલાયો છે. પહેલાં 40 ટકા રોકડે વાહન વેચાતું ત્યાં હવે લગભગ 70 ટકા રોકડે ઘરાક મળે છે. કચ્છ જ્વેલર્સ ફેડરેશનના પ્રમુખ ભરતભાઇ
કપ્ટા કહે છે કે, નબળાં વર્ષને
લીધે 20-25 ટકા આશા હતી તે સામે 45-50 ટકા ધંધો સોનાં-ચાંદીમાં ભાવવધારો
છતાં નસીબ થાય છે. દિવાળી નકારાત્મક બજાર સાબિત નથી અનુભવાઇ. ઓનલાઇન ખરીદીની વધતી જતી
માનસિકતાએ ખૂબ મોટી અસર સ્થાનિક બજારોને પહોંચાડી છે. એક જ સ્થળેથી ખરીદી, લાંબા થવામાં સુસ્તીને લીધે મોલ કલ્ચરે ખૂબ
અસર પહોંચાડી છે. મોલમાં આડે દિવસે ત્રણેક લાખ અને શનિ-રવિએ 10/12 લાખનું કાઉન્ટર છૂટક બજારના
અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ મૂલવાયું હતું. રેડીમેડ કાપડ, ખાણી-પીણી - મોજશોખની વસ્તુઓ વગેરે ક્ષેત્રે
દિવાળીમાં દિવાળી અનુભવાય છે.