માંડવી, તા. 6 : શહેરના હાર્દસમા પ્રો. કે.
ટી. શાહ રોડ પર ધનતેરસના સપરમા દિવસે સાંજના અરસામાં ખરીદી કરવા ગયેલા પાર્વતીબેન રામજી
પાંજરીવાલા (ઉ.વ. 43) (રહે. સલાયા)
પર આરોપી મેરાઉના જયંતીલાલ ગુણવંતરાય રાજગોરે છરીના ઉપરાછાપરી ઘા મારી હત્યા નીપજાવતાં
ચકચાર ફેલાઈ હતી. કૃત્ય આચર્યા બાદ આરોપી પોલીસ સમક્ષ હાજર થયો હતો અને ગુનો કબૂલ્યો
હતો. આ મામલે પીઆઈ શ્રી બારોટે વિગતો આપતાં જણાવ્યું હતું કે, હતભાગી મહિલા અને આરોપી પ્રેમમાં હતા અને મંદિરમાં
જઈ લગ્ન કર્યા હોવાનું આરોપીએ કેફિયત આપતાં જણાવ્યું હતું. બંને સાથે ન રહેતા હોવાથી
આરોપીએ તે વાતનું મનદુ:ખ રાખી હત્યા નીપજાવી હોવાનું કહ્યું હતું તેમ તપાસકર્તા અધિકારીએ
જણાવ્યું હતું. બનાવ અંગે પ્રાપ્ત થયેલી વિગતો મુજબ, શુક્રવારે
સાંજના અરસામાં કે.ટી. શાહ રોડ પર સખીઓ સાથે ખરીદી કરવા ગયેલા પાર્વતીબેનને આરોપી જયંતીલાલે
પેટ, સાથળ અને શરીરના અન્ય ભાગો પર છરી વડે ઉપરાછાપરી ઘા મારી
ગંભીર રીતે ઘાયલ કર્યા હતા અને નાસી છૂટયો હતો. હુમલાની આ ઘટના બાદ તેમને સારવાર માટે
હાથલારી પર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે
તેમને મૃત જાહેર કર્યા હતા. બાવીશ વર્ષ અગાઉ મૃતક પાર્વતીબેનના લગ્ન થયા હતા અને યુવા
વયનો દીકરો છે. બે વર્ષ પહેલાં માંદગીના કારણે પતિનું અવસાન થયા બાદ તેઓ સલાયા ખાતે
રહેતા હતા. બીજી તરફ વિવાહિત એવા આરોપી જયંતીલાલ મેરાઉ-ગોધરા રોડ પર દુકાન ધરાવે છે.
આરોપી છેલ્લા 4-5 મહિનાથી હતભાગી
પાર્વતીબેનના પ્રેમમાં હતો અને બંનેએ લગ્ન કરી લીધા હતા. બે-ત્રણ માસ પહેલાં શહેરની
બહારના ભાગે આવેલી સોસાયટીમાં ફ્લેટ પણ ખરીદ્યો હોવાની વિગતો પણ સાંપડી હતી. બનાવના
પગલે જાણ થતાં શહેરના આગેવાનો દેવાંગભાઈ દવે, લાંતિકભાઈ શાહ, હરેશભાઈ વિંઝોડા, દર્શનગિરિ ગોસ્વામી, નરેનભાઈ સોની, વિજયભાઈ ચૌહાણ, પારસભાઈ માલમ, જયશ્રીબેન
મૂછડિયા, જિગરભાઈ ધાયાણી સહિતના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ
દોડી ગયા હતા. સરાજાહેર બનેલી આ હિચકારી ઘટના સમયે જાણે કશું બન્યું જ ન હોય આરોપીને
કોઈએ અટકાવવાના પ્રયાસ પણ ન કર્યા હોવાનો બળાપો સલાયા ખારવા સમાજના પ્રમુખ વિશ્રામભાઈ
ઠાકરશી ચૂડાસમા તથા અન્ય આગેવાનોએ જણાવ્યું હતું. તે સાથે બહેન-દીકરીઓની સલામતી અંગે
પણ પોલીસે કડકમાં કડક પગલાં ભરવા જોઈએ તેમ જણાવ્યું હતું. આ બનાવને ખારવા સમાજ તેમજ
અન્ય શહેરીજનોએ વખોડયો હતો અને માંડવીમાં ગુનાખોરીનું પ્રમાણ વધી ગયું હોવાથી પોલીસ
પકડ મજબૂત બનાવે તેવી માંગ કરી હતી. ચકચાર ફેલાવનારી હત્યાની આ ઘટનાથી આ અગાઉ પણ ગોધરામાં
થયેલી યુવતીની હત્યાના બનાવનો મુદ્દો પણ સપાટી પર આવ્યો હતો. આ મામલામાં માંડવી પોલીસે
આરોપી સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.