માંડવી, તા. 24 : તાલુકામાં બાડા ક્રિકેટ કલબ
દ્વારા શિક્ષણ ક્ષેત્રે મહત્વનું યોગદાન આપનારા સ્વર્ગીય આચાર્ય વસંતભાઈ રાવલની સ્મૃતિમાં
ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું. આ અવસરે પ્રશંસકોએ સ્વ. રાવલને સંસ્કૃત
ભાષાના વિદ્વન, કર્મભૂમિના સર્વાંગી વિકાસમાં
રાહબર અને શિક્ષણના કબીરવડ ગણાવ્યા હતા. તેમની સ્મૃતિમાં પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા
બાડા ક્રિકેટ કલબના માધ્યમથી એક વિશેષ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજઋન કરાયું હતું.
મૂળ વિરાણી (તા. નખત્રાણા)ના વતની સ્વ. રાવલે બાડાને કર્મભૂમિ બનાવી હતી. તેમને ગુજરાત
સરકાર તરફથી શ્રેષ્ઠ શિક્ષક અને શ્રેષ્ઠ આચાર્ય જેવા અનેક ગૌરવશાળી પુરસ્કાર એવોર્ડ્સ
પ્રાપ્ત થયા હતા. 2008માં એક માર્ગ
અકસ્માતમાં તેમનું નિધન થયું હતું. સ્પર્ધામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની વિવિધ ટીમોએ
ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં અક્ષય કલીનીક ઈલેવન વિજેતા અને હઠીલા ઈલેવન ઉપવિજેતા
બની હતી. મેન ઓફ ધી સીરીઝ મયુર આહિર, બેસ્ટ બોલર ભાવેશ ગઢવી અને બેસ્ટ બેટ્સમેન જીલુભા રાઠોડ રહ્યા હતા. સમાપન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત સ્વ.
રાવલના પુત્ર અને સારસ્વતમ સંચાલિત હરીયા હાઈસ્કૂલના આચાર્ય રસેશ રાવલ તથા પૌત્ર ધાતુન
રાવલે ભાવુક પ્રતિભાવ આપ્યા હતા.