• બુધવાર, 25 ફેબ્રુઆરી, 2026

બિદડામાં ગૌ લાભાર્થે રામામંડળના કાર્યક્રમે રંગ જમાવ્યો

કોડાય (તા. માંડવી), તા. 24 :  બિદડા ગામે ગૌ લાભાર્થે મમાયમોરા મમાય રામામંડળ દ્વારા ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. ભચીબેન ભાણજીભાઈ રામાણી પરિવારના સહયોગથી યોજાયેલા કાર્યક્રમની શરૂઆત મંડળના અગ્રણીઓ અને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. સંત સુરેશદાસ બાપુએ આશીર્વચન આપતાં જણાવ્યું હતું કે, આવા ધાર્મિક અને સેવાભાવી આયોજનો સમાજ માટે અત્યંત જરૂરી છે. આવા કાર્યક્રમો સમાજમાં એકતા, સેવાભાવ અને ધાર્મિક ચેતનામાં વૃદ્ધિ કરે છે. મમાયમોરા મમાય રામામંડળના પ્રમુખ દિનેશભાઈ સેંઘાણી અને ઉપપ્રમુખ મનોજભાઈ દડગાએ માહિતી આપી હતી કે, મંડળ દ્વારા કચ્છ, ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં અત્યાર સુધી 89 જેટલા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મંડળ નિ:સ્વાર્થ ભાવથી સેવાકાર્ય કરે છે. આવા કાર્યક્રમોમાંથી પ્રાપ્ત થતી રકમ ગૌસેવા, શૈક્ષણિક સહાય, આરોગ્ય સેવા અને નિયાણીઓ સહિત વિવિધ સેવાકીય કાર્યો માટે ખર્ચવામાં આવે છે. મંડળ સમાજ માટે હંમેશાં સેવાભાવી કાર્યમાં પ્રતિબદ્ધ છે.  આ પ્રસંગે ભચીબેન ભાણજીભાઈ રામાણી પરિવાર દ્વારા મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. આરતીનો લાભ ભવાનજીભાઈ રામાણી, ચંદુભાઈ રામાણી અને મોહનભાઈ રામાણી દ્વારા લેવામાં આવ્યો હતો. પ્રભુભાઈ ધોળુ (પી.સી. કન્સ્ટ્રક્શન), વાડીલાલભાઈ પટેલ (ભુજ), જયંતીભાઈ પારસિયા, શૈલેશભાઈ દડગા (બેંગ્લોર), વિપુલભાઈ ચૌધરી, મોહનભાઈ લોઢા, હિતેશભાઈ દડગા, વલ્લભભાઈ વેલાણી (એડવોકેટ), શામજીભાઈ છાભૈયા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન પીયૂષભાઈ લીંબાણીએ અને આભારવિધિ મોહનભાઈ રામાણીએ કરી હતી.  

Panchang

dd