• બુધવાર, 25 ફેબ્રુઆરી, 2026

અબડાસા તાલુકા પંચાયતના 4.64 કરોડના વિકાસકામોને બહાલી

નલિયા, તા. 24 : અબડાસા તાલુકાના પ્રમુખ મહાવીર સિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને મળેલી સામાન્ય સભામાં  રજૂ થયેલા વર્ષ 2025-26ના સુધારેલા તથા આગામી વર્ષ 2026-27ના અંદાજપત્રને આખરી મંજૂરી આપી 4.64 કરોડના વિકાસકામોને બહાલી અપાઈ હતી. વર્તમાન ચૂંટાયેલી પાંખની પાંચ વર્ષની મુદત પૂર્ણતાના આરે હોવાથી આ છેલ્લી સામાન્ય સભા બની રહી હતી, જે કોઈપણ પ્રકારના વિવાદ વગર ખૂબ જ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી. સભાની શરૂઆત રાષ્ટ્રગીત સાથે કરવામાં આવી હતી અને ત્યારબાદ એજન્ડા મુજબની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં પ્રમુખ દ્વારા તમામ સદસ્યોનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. આ બેઠકમાં તાલુકા પંચાયતના વર્ષ 2025-26ના સુધારેલા અંદાજપત્ર તથા આગામી વર્ષ 2026-27ના અંદાજપત્રને આખરી મંજૂરી આપવામાં આવી હતી. વહીવટી કામગીરીમાં સુગમતા રહે તે હેતુથી હંગામી ધોરણે કોમ્પ્યુટર ઓપરેટરની નિમણૂકનો નિર્ણય પણ લેવાયો હતો. વિકાસલક્ષી ચર્ચામાં તાલુકાના વિવિધ કામો માટે સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટ પેટે મળેલ કુલ રૂ. 4,63,96,250 (ચાર કરોડ ત્રેસઠ લાખ છેન્નુ હજાર બસ્સો પચાસ)ની માતબર રકમના આયોજનને બહાલી અપાઈ હતી. આગામી સમય માટેના આયોજન અંગે ચર્ચા કરતા તાલુકામાં તલાટીઓની ખાલી જગ્યાઓ અને તેના કારણે પડતી મુશ્કેલીઓ અંગે જિલ્લા પંચાયતનું ધ્યાન દોરવા સૂચન કરાયું હતું. આ સાથે જિલ્લા પંચાયતના સદસ્યોની ગ્રાન્ટમાંથી થતા કામો પર ફરજિયાત તક્તી લગાવવા, મંજલ ગામે નવા પંચાયત ઘરનું નિર્માણ કરવા તેમજ વિકાસના કામોના બાકી નીકળતા ચૂકવણા સત્વરે ચૂકવવા બાબતે સદસ્યો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. પાંચ વર્ષની ટર્મ પૂર્ણ થતી હોવાથી ઉપપ્રમુખ રમીલાબેન ગજરાએ તમામ સદસ્યોનો સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો, તો સામા પક્ષે વિપક્ષી નેતા દાદાભાઈએ પણ તમામ સદસ્યો અને વહીવટી તંત્રનો આભાર માન્યો હતો. આ બેઠકમાં જિલ્લા પંચાયત સદસ્ય પરસોત્તમ મારવાડા, ભાવનાબા જાડેજા તેમજ તાલુકા પંચાયતના સદસ્યો મોકાજી સોઢા, જયવીરાસિંહ જાડેજા, મહાવીરાસિંહ જાડેજા, શિવજીભાઈ મહેશ્વરી, સંગીતાબેન ગુંસાઈ સહિતના જનપ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. વહીવટી પાંખમાંથી ટીડીઓ સુનીલ ચૌધરી, વિસ્તરણ અધિકારી ભાણજીભાઈ સોઢા તથા તાલુકા પંચાયતનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહી કામગીરીમાં સહયોગ આપ્યો હતો. 

Panchang

dd