ગાંધીધામ, તા. 24 : અહીંની મહાનગરપાલિકા અને શહેરની
અલગ અલગ સામાજિક સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જે અંતર્ગત મુખ્ય માર્ગો તળાવ તેમજ રેલવે સ્ટેશન
ખાતે સફાઈ કરવામાં આવી હતી અને સ્વચ્છતાનો સંદેશો આપવામાં આવ્યો હતો ટાગોર રોડ ઉપર દબાણો દૂર કરી સફાઈ ઝુંબેશનું આયોજન
કરવામાં આવ્યું હતું. આ સફાઈ ઝુંબેશમાં ગાંધીધામ તથા આદિપુરની જાયન્ટ ગ્રુપ ઓફ ઇફ્કો
સહેલી, ઇન્ઝોટિક ગ્રુપ, ડબલ્યુઈઓ કેર ફાઉન્ડેશન,
ડો. સી.જી. હાઇસ્કૂલના એનસીસી કેડેટ્સ, ગાંધીધામ
તાલુકા વ્યાયામ શિક્ષક સંઘ, અરાવલી એડવેન્ચર એકેડેમી ઓફ ઇન્ડિયા,
ગાંધીધામ સિટીઝન કાઉન્સિલ તથા ક્લીન પ્લાસ્ટિક ફ્રી ગાંધીધામ જેવી સંસ્થાઓ
જોડાઈ હતી. શિણાય ડેમ ખાતે મહાનગરપાલિકા અને સંત નિરનકારી મિશનના સહયોગથી સંસ્થાના
150 જેટલા સભ્યથી સઘન સફાઈ ઝુંબેશ
કરવામાં આવી હતી તેમજ પાલિકા અને દિયા ફાઉન્ડેશન દ્વારા રેલવે સ્ટેશન વિસ્તારમાં સફાઈ
કરવામાં આવી હતી દરમિયાન કચરો એકત્રિત કરી યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો. તળાવમાં
જમા થયેલા પ્લાસ્ટિક અને અન્ય કચરાને દૂર કરી પર્યાવરણને સ્વચ્છ અને સુરક્ષિત બનાવવા
પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ અભિયાનમાં મહાનગરપાલિકાના
અધિકારીઓ, કર્મચારીઓ, સંસ્થાઓના
સભ્યો તેમજ સ્થાનિક નાગરિકોએ ભાગ લીધો હતો. ઉપસ્થિત અધિકારીઓએ શહેરવાસીઓને સ્વચ્છતા
જાળવવા અને જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા અનુરોધ કર્યો હતો. ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા
શહેર સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બને તે માટે ભવિષ્યમાં પણ આવા
સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. કમિશનર મનીષ
ગુરુવાણી દ્વારા શહેરના સર્વાંગી વિકાસ અને સ્વચ્છતા માટે સંસ્થાઓ, નાગરિક જૂથો, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓને વધુમાં
વધુ જોડાવા અનુરોધ કરવામાં આવ્યો હતો.