• બુધવાર, 25 ફેબ્રુઆરી, 2026

રોકાણમાં મોકાણ : સેન્સેક્સમાં 1068નો કડાકો

મુંબઈ, તા. 24 : અમંગળ બની મંગળવારે એનએસઈમાં ફેબ્રુઆરી સેટલમેન્ટના છેલ્લા દિવસે વેચવાલીના મારામાં બજારને પાણી-પાણી કરી દીધું હતું. સેન્સેક્સમાં 1068નો મોટો, તો નિફ્ટીમાં 288 પોઈન્ટનો ગોઝારો કડાકો બોલી જતાં રોકાણકારોના લગભગ ચાર લાખ કરોડ ધોવાઈ ગયા હતા. સુપ્રીમ કોર્ટના ચુકાદાએ ટ્રમ્પ ટેરિફને ગેરલાયક ઠરાવ્યા પછી ધૂંધવાયેલા ટ્રમ્પનાં આડેધડ નિવેદનોના પગલે સોમવારે અમેરિકન બજારમાં આવેલું મંદીનું મોજું આપણા બજાર સુધી પહોંચતાં ભારે ખાનાખરાબી જોવા મળી હતી. 25,713વાળો નિફ્ટી 72 પોઇન્ટ્સના ગેપથી 25,641ના સ્તરે ખુલ્યો એ લેવલને જ દિવસનો હાઈ રાખી દોઢ-બે સુધી આવેલા વેચવાલીના ઘોડાપૂરમાં અને ફેબ્રુઆરીમાં બંધાયેલી તેજીની આશા મિથ્યા લાગતાં છૂટેલાં લેણનાં પોટલાં થકી 25,327ના લો સુધી લુડકી ગયા બાદ સેટલમેન્ટના અંતે 1.12 ટકા એટલે કે 288 પોઇન્ટ્સના ઘસરકાએ નિફ્ટી 25,424 થઈ ગયો હતો. ઇન્ટ્રા ડેમાં હાઈથી લો સુધીનો 314 પોઇન્ટ્સનો ઘટાડો બજારની વાસ્તવિક પરિસ્થિતિ પર પ્રકાશ પાડે છે. સેન્સેક્સ 1068 પોઇન્ટ્સનાં ગાબડાંએ 82,225.92 બંધ રહ્યો હતો.  આઈટીના શેરમાં ભારે વેચવાલી જોવા મળી હતી. મુખ્યત્વે તો ટેરિફ અને સેટલમેન્ટના છેલ્લા દિવસે ઈરાન-અમેરિકા વચ્ચે ભયના ઓથાર જેવા પરિબળોએ વિપરીત અસર કરી હતી. એનએસઈ ખાતે પાંચ ઇન્ડેક્સ અને સ્ટોક્સ આધારિત માસિક વાયદાના અને નિફ્ટીના ઓપ્શન્સના વિકલી સેટલમેન્ટના દિવસે મંગળવારે બેન્ક નિફ્ટી પણ બજારની ઢાલ બની શક્યો નહોતો અને બપોરે 12 પછી બેન્કિંગ-ફાઇનાન્સ શેરોમાં આવેલી વેચવાલીએ બજારને વધુ ખરાબ કર્યું હતું. કોલ-પુટ પ્રીમિયમ ખાઈ જવાની રમતમાં નિફ્ટી ઓપ્શન્સથી ઓળિયા સેન્સેક્સના ઓપ્શન્સમાં શિફ્ટ કરી અને પાછું તે જ રીતે સેન્સેક્સથી નિફ્ટી તરફ બે-ચાર દિવસ માટે લઈ જવા માટે સેન્સેક્સ  વિકલી ઓપ્શન્સનો ઉપયોગ પણ થતો હોવાથી ગુરુવારના કામકાજ કેવા રહે છે એ જોવું રસપ્રદ બની રહેશે. મિડકેપ 100 ઇન્ડેક્સ મંગળવારે પ્રમાણમાં ઓછો 0.32 ટકા જ ઘટીને 59,066 બંધ હતો. માર્કેટ બ્રેડ્થ થોડી અતિશય ખરાબ થઈ ગઈ હતી. એનએસઈમાં 1070 શેર વધ્યા એની સામે 2104 શેર ઘટયા હોવાથી એડવાન્સ-ડિકલાઇન રેશિયો અંદાજે એકના વધારા સામે બેના ઘટાડાનો હતો. મંગળવાર 24મી ફેબ્રુઆરીના ઇક્વિટી બેન્ચમાર્ક્સ લાલ રંગમાં રંગાઈ ગયા હતા. બીએસઈનો સેન્સેક્સ 1.28 ટકા ઘટીને 82,225, નિફ્ટી ફિફ્ટી 1.12 ટકા તૂટીને 24,424, બેન્ક નિફ્ટી 0.35 ટકાના નુકસાને 61,047, નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસીસ 0.56 ટકાના લોસે 28,295, નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી 0.08 ટકાના નગણ્ય લાભે 69,778 અને નિફ્ટી મિડકેપ સિલેક્ટ 0.22 ટકા ગુમાવી 13,448ના સ્તરે બંધ હતા. - ટેક્સ્ટાઇલ શેરોમાં સરકારે પ્રોત્સાહન ઘટાડયાની અસર : સરકારે રેમીશન ઓફ ડયૂટીઝ એન્ડ ટેક્સિસ ઓન એક્સપોર્ટેડ પ્રોડક્ટ્સ અન્વયે અપાતાં પ્રોત્સાહન અડધા કરવાના પગલે ટેક્સ્ટાઇલ્સ શેરોમાં વેચવાલી આવી હતી. ગોકળદાસ એક્સપોર્ટસ પાંચ ટકા તૂટીને રૂા. 714ના સ્તરે બંધ હતો. 

Panchang

dd