રાપર, તા. 24 : સામખીયાળી પાસે ગેસ ભરેલા ટેન્કરમાં અકસ્માત બાદ ગેસ લીકેજની
ઘટના તાજી છે ત્યાર આજે વાગડમાં વધુ બે સ્થળે આગના બનાવ બન્યા હતાં. કચ્છના
પ્રવેશદ્વાર આડેસર પાસે કોલસા ભરેલી
ટ્રકમાં અને ભચાઉ નજીક દાડમના પાકમાં આગ લાગી હતી. આ અંગે મળતી વિગતો મુજબ આડેસર પાસે
એક કોલસો ભરેલી ટ્રક માં આગ લાગી હતી. ચાલક કોલસો ભરી ને નીકળ્યો ત્યારે ગાડીમાં ધુમાડા દેખાતા હતા. ધીમે
ધીમે કોલસામાં આગ પકડી લીધી હતી. આડેસર પાસે
ધ્યાન જતા તેમણે 112માં કોલ કરીને જાણ કરી હતી. રાપર નગરપાલિકાનાં ફાયર ફાઈટર ટીમે
તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ને સતત પાણી મારો ચલાવી ને આગ બુઝાવવાનાં પ્રયાસો હાથ
ધર્યા હતા. જયા આગ લાગી ત્યાં રોડની નીચે પેટ્રોલની લાઈન પસાર થતી હતી. અગ્નિશમન દળની ટુકડીએ પેટ્રોલ ની લાઈનને સુરક્ષિત રાખી ને આગ પર ચાર કલાકની મહેનત બાદ કાબૂ મેળવ્યો હતો. આ
કામગીરીમાં કાનજી ડોડીયા, શૈલેષ ઝાલા
વગેરે જોડાયા હતા બીજી બાજુ ભચાઉમાં આગનો બનાવ આજે બપોરના વાડી વિસ્તારમાં બન્યો હતો.
હેવી વીજલાઈનમાં શોર્ટ સર્કીટ થતા નીચે દાડમના પાકમાં આગ લાગી હતી. ભચાઉ નગરપાલિકા
ફાયર વિભાગની ટીમે એક કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. આ કામગીરીમાં પ્રવિણ દાફડા, કુલદિપ ભાઈ અને શક્તિસિંહ જોડાયા
હતાં.