• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

અભિષેકની આંધી : ભારતની 48 રને જીત

નાગપુર, તા. 21 : અભિષેક શર્માના 8 છગ્ગાથી વિસ્ફોટક 84 અને રિંકુ સિંહની 44 રનની ઝડપી ઇનિંગ્સ બાદ બોલરોના શાનદાર દેખાવથી ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટી-20 મેચમાં ભારતનો 48 રને ભવ્ય વિજય થયો હતો. ભારતના 7 વિકેટે 238 રનના જવાબમાં ન્યૂઝીલેન્ડના 20 ઓવરના અંતે 7 વિકેટે 190 રન થયા હતા. પ મેચની શ્રેણીમાં ભારત 1-0થી આગળ થયું છે. કિવીઝ ટીમ તરફથી ગ્લેન ફિલિપ્સે 40 દડામાં 4 ચોગ્ગા અને 6 છગ્ગાથી 70 રનની સર્વાધિક ઇનિંગ્સ રમી હતી. ન્યૂઝીલેન્ડની શરૂઆત ખરાબ રહી હતી અને 1 રનમાં કોન્વે (0) અને રચિન (1)ની વિકેટ ગુમાવી દીધી હતી, જ્યારે ટિમ રોબિન્સન 21 રને આઉટ થયો હતો. માર્ક ચેપમેને આક્રમક 39 રન બનાવ્યા હતા. વન ડે સિરીઝનો હિરો ડેરિલ મિચેલ 28 રને આઉટ થયો હતો. ભારત તરફથી અર્શદીપ અને શિવમ દૂબેને 2-2 વિકેટ મળી હતી. શિવમે બન્ને વિકેટ આખરી ઓવરમાં મેળવી હતી. જો કે, તે હેટ્રિક ચૂકી ગયો હતો. અગાઉ કિવીઝ કેપ્ટન મિચેલ સેંટનરે ટોસ જીતી નાગપુરની સપાટ પિચ પર બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે આ ફાયદો ઉઠાવીને ન્યૂઝીલેન્ડ સામેનો સર્વોચ્ચ 7 વિકેટે 238 રનનો સ્કોર નોંધાવ્યો હતો. ન્યૂઝીલેન્ડ બોલર્સે શરૂઆતમાં સંજૂ સેમસન (10) અને પુનરાગમન કરનાર ઇશાન કિશન (8)ને આઉટ કરી કપ્તાનનો આ નિર્ણય યથાર્થ સાબિત કરી બતાવ્યો હતો, પણ આ પછી અભિષેક શર્મા અને કપ્તાન સૂર્યકુમાર યાદવે પાવર હિટિંગ કરી રનનો ધોધ વહાવ્યો હતો. અભિષેક શર્માએ પ્રારંભથી જ છગ્ગાની રમઝટ બોલાવી હતી. તેણે ફકત 21 દડામાં અર્ધસદી કરી હતી. ફોર્મની શોધ કરી રહેલ સૂર્યકુમારના બેટમાંથી પણ આજે આકર્ષક શોટ નીકળ્યા હતા. જો કે, તે 22 દડામાં 4 ચોગ્ગા-1 છગ્ગાથી 32 રને આઉટ થઇ ગયો હતો. તેના અભિષેક વચ્ચે ત્રીજી વિકેટમાં 47 દડામાં 99 રનની ઝડપી ભાગીદારી થઇ હતી, જ્યારે અભિષેક શર્માએ ફરી એકવાર વિસ્ફોટક ઇનિંગ્સ રમીને ફકત 3પ દડામાં પ ચોગ્ગા અને 8 છગ્ગાથી 84 રનની આતશી ઇનિંગ્સ રમી હતી. અભિષેક બાદ ઓલઆઉન્ડર હાર્દિક પંડયાએ 16 દડામાં 3 ચોગ્ગા-1 છગ્ગાથી 2પ રનની કેમિયો ઈનિંગ્સ રમી હતી, જ્યારે રિંકુ સિંહ ફિનિશર બન્યો હતો. તે 20 દડામાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાથી 44 રને નોટઆઉટ રહ્યો હતો. તેણે ઈનિંગ્સની આખરી ઓવરમાં ડેરિલ મિચેલની ધોલાઇ કરીને 21 રનનો ઉમેરો કર્યો હતો. આ ઓવરમાં તેણે 2 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યાં હતા. અર્શદીપ 6 રને અણનમ રહ્યો હતો. શિવમ દૂબે (9) અને અક્ષર પટેલ (પ) સસ્તામાં આઉટ થયા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી ડફીએ 27 રનમાં 2 અને જેમિસને પ4 રનમાં 2 વિકેટ લીધી હતી. ભારતની ઈનિંગ્માં 14 છગ્ગા અને 21 ચોગ્ગા લાગ્યા હતા. આથી 238 રનમાંથી 168 રન બાઉન્ડ્રીથી આવ્યા હતા. 

Panchang

dd