ભુજ, તા. 16 : રમતગમત દ્વારા સમાજમાં એકતા
અને ખેલદિલીની ભાવના કેળવાય તેવા હેતુથી વડનગરા નાગર મંડળ-ભુજ દ્વારા તાજેતરમાં અહીંના શરદબાગ ખાતે `અખિલ કચ્છ બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટ-2025'નું આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર કચ્છમાંથી નાગર સમાજની પુરુષોની આઠ અને
મહિલાઓની ચાર ટીમે ભાગ લીધો હતો. મહિલાઓમાં સ્ટાર સ્ટ્રાઈકર્સ અને
પુરુષોમાં બોલ બ્રેકર્સ ટીમ ચેમ્પિયન બની હતી.
બપોરે 2:30 વાગ્યાથી શરૂ થયેલો આ ક્રિકેટ
મહોત્સવ રાત્રે 10:30 વાગ્યા સુધી
ચાલ્યો હતો, જેમાં જ્ઞાતિજનોએ મોટી
સંખ્યામાં હાજરી આપી હતી. સ્પર્ધામાં મેદાન પર ખેલાડીઓએ અદ્ભુત કૌશલ્યનું પ્રદર્શન કર્યું
હતું. આ સ્પર્ધામાં મહિલા ફાઈનલ મેચ સ્ટાર સ્ટ્રાઈકર્સ અને પેન્થર્સ
વચ્ચે રમાઈ હતી, જેમાં સ્ટાર સ્ટ્રાઈકર્સ વિજેતા બની હતી,
તો પુરુષ ફાઈનલ મેચ બોલ બ્રેકર્સ
અને બોક્સ બાઝીગર વચ્ચે રમાઈ હતી, જેમાં બોલ બ્રેકર્સે ચેમ્પિયન
બની ટ્રોફી પર કબજો જમાવ્યો હતો. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે `પી.એમ. જન ઔષધિ કેન્દ્ર-પંક્તિ ભરતભાઈ પાલેજા
તરફથી સ્પોન્સરશિપ પૂરી પાડવામાં આવી હતી, જે બદલ મંડળે તેમનો વિશેષ આભાર માન્યો હતો. મંડળના પ્રમુખ રુચિર બી. વૈષ્ણવના
માર્ગદર્શન હેઠળ આયોજિત આ સ્પર્ધામાં પ્રતીક કે. ધોળકિયા અને અંકિત જે. અંજારીઆ પ્રોજેક્ટ
ચેરમેન રહ્યા હતા. આયોજનને સફળ બનાવવા માટે મંત્રી નીલ યુ. હાથી, ખજાનચી પ્રત્યૂષ ડી. અંજારીઆ તેમજ કારોબારી સભ્યો હર્ષ એસ. વોરા, અંકિત એ. વૈદ્ય, રાકેશ કે. વૈદ્ય, વેદાંત ટી. પટ્ટણી અને જિજ્ઞેય બી. અંતાણીએ જહેમત ઉઠાવી હતી.