નવી દિલ્હી, તા. 16 : પોતાના જ
નાગરિકોના આકરાં વિરોધ પ્રદર્શનોનો સામનો કરી રહેલાં સંકટગ્રસ્ત ઇરાનને બચાવવા માટે
મેદાને પડેલા મુસ્લિમ દેશોના સૂરમાં સૂર પુરાવતાં કટ્ટર દુશ્મન ઇઝરાયલે પણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને
ઇરાન પર હુમલો નહીં કરવાની અપીલ કરી હતી. સાઉદી અરેબિયા, કતાર, ઓમાન, ઇજિપ્ત
જેવા આરબ દેશોએ પણ અમેરિકાને ઇરાન પર સૈન્ય કાર્યવાહી ટાળવા આગ્રહ કર્યો છે. એ જ રીતે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને નેતન્યાહુ
સાથે ફોન પર વાત કર્યા બાદ ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ યેજેસ્કિયાન સાથે વાત કરી હતી. પુતિને
ઇરાન મુદ્દે મધ્યસ્થી માટે તૈયારી બતાવી હતી. દરમ્યાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની
તાકીદે બોલાવાયેલી બેઠકમાં અમેરિકાએ ફરી ઇરાનને
ચેતવણી આપી હતી, તો સામો જવાબ આપતાં ઇરાને પણ કહ્યું હતું
કે, હુમલા કરનારને છોડાશે નહીં. અમેરિકી રાજદૂત માઇક વાલ્ટઝે
કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનની દેખાવકારો
પર દમનકારી કાર્યવાહી રોકવા માટે તમામ વિકલ્પ ખુલ્લા છે તેવું સ્પષ્ટ કહ્યું છે. ટ્રમ્પ
લાંબી લાંબી વાતો માત્ર નહીં કરીને સીધાં પગલાં લેનારા નેતા છે તેવું માઇકે જણાવ્યું
હતું. તેમણે ઇરાનના લોકોની બહાદુરીની પ્રશંસા કરી હતી. પ્રદર્શનો પાછળ વિદેશી તાકાતો
છે, તેવો દાવો જ બતાવે છે કે, ઇરાનની સરકાર
પોતાના જ લોકોથી ડરેલી છે. ઇરાનના નેતૃત્વને ખબર હોવી જોઇએ કે, તેના નરસંહારને રોકવા અમેરિકા કોઇપણ પગલાં લઇ શકે છે, તેવી ચેતવણી યુનોમાં અમેરિકી પ્રતિનિધિ માઇક વાલ્ટઝે આપી હતી. સંયુક્ત રાષ્ટ્રના
સહાયક મહાસચિવ માર્થા પોબીએ પણ ઇરાન સરકારને અપીલ કરી હતી કે, પ્રદર્શનના તમામ મામલામાં ફાંસી જેવી ક્રૂર સજા આપવાનું ટાળવું જોઇએ. બીજી
તરફ સંયુક્ત રાષ્ટ્રમાં ઇરાનના નાયબ રાજદૂત ગુલામહુસેન દર્જીએ આરોપો ફગાવતાં કહ્યું
હતું કે, અમેરિકા ખોટી જાણકારી ફેલાવે છે.