ગઢશીશા, તા. 16 : ગઢશીશાથી દહિંસરાને જોડતા અંદાજિત
20 કિ.મી. મુખ્ય માર્ગનું કામ
પ્રારંભ થઈ રહ્યું છે, જેમાં વચ્ચે
આવતા રામપર - વેકરા, રૂકમાવતી નદી પરના પુલનું પણ નવનિર્માણ થઈ રહ્યું છે અને ગઢશીશા પાસે
આવેલા પુલનું પણ નવનિર્માણ થાય એ જરૂરી છે, ત્યારે આ મુખ્ય માર્ગની
પહોળાઈ વધે અને અંદાજિત 10 મીટર કરવામાં
આવે તેવી લોકમાંગ સમગ્ર પંથકમાંથી ઊઠી રહી છે. આ માર્ગ ગઢશીશા પંથકના અનેક ગામડાંઓને
જિલ્લા મુખ્ય મથક ભુજ સાથે જોડતો મુખ્ય અને સતત ધમધમતો માર્ગ છે સતત અવરજવર રહેતાં
આ માર્ગ શૈક્ષણિક, આરોગ્ય કે ધાર્મિક સ્થળોને પણ જોડતો માર્ગ છે.
અહીં રામપર-વેકરા ગંગાજી, જલારામધામ, કમાસતી
માતાજી, પરશુરામધામ, બિલેશ્વર મહાદેવ મંદિર,
ગઢશીશા અંબાજી મંદિર, રાજલ માતાજી મંદિર,
પંચ ગંગાજી, શ્રીપીઠ આશાપુરા માતાજી મંદિર,
જ્યોતેશ્વર મહાદેવ, આયુ માતાજી (ડોણ), ગોધરા અંબેધામ, રાજડા માતાજી મંદિર, નાદ્રા બિલેશ્વર જેવાં અનેક યાત્રાધામને જોડતો માર્ગ છે. ઉપરાંત અહીં ખનિજ
ભરેલા ભાર વાહક વાહનોની પણ સતત અવરજવર રહે છે. અનેક પરિબળો તેમજ લોકોની સુરક્ષા ધ્યાનમાં
રાખીને આ માર્ગની પહોળાઈ વધારવી એ અતિ જરૂરી છે, સાથે કામ પણ
ગુણવત્તાયુક્ત થાય એ પણ જરૂરી છે.