નવી દિલ્હી, તા.16 : સમુદ્રની
મધ્યમાં ઈરાની નૌકાદળની ગુંડાગીરીનો મામલો સામે આવ્યો છે. ડીઝલની દાણચોરીનો આરોપ લગાવી
યુએઈના દરિયાકાંઠા પાસે દિબ્બા પોર્ટ નજીક ભારતીયો સાથેના જહાજ એમટી `વેલિઅન્ટ રોવર' પર ગોળીબાર, મારપીટ કરી
18 લોકોને બંધક બનાવીને `નરક'માં ધકેલ્યાનો ખુલાસો થયો છે. પીડિત પરિવારોનો આરોપ છે કે ગોળીબારથી જહાજને
નુકસાન થયું છે અને કેટલાક ક્રૂ સભ્યો ઘાયલ થયા હતા. ઈરાની કર્મચારીઓ જહાજમાં ચઢી ગયા
અને ક્રૂ પર હુમલો કરી તેમને બંધક બનાવ્યા હતા. તેમના મોબાઈલ ફોન, લેપટોપ અને અન્ય સાધનો જપ્ત કરી લીધા હતા. પીડિતોએ ભારત સરકારની મદદ માગી છે.
8 ડિસેમ્બર 2025ના રોજ બપોરે ભારતીય ખલાસીઓના
પરિવારોને ભયાનક સંદેશો મળ્યો. તે દિવસે કેપ્ટન વિનોદ પરમારને તેમના ભાઈ કેપ્ટન વિજય
કુમાર જે ટેન્કર વેલિયન્ટ રોરના કમાન્ડિગ હતા તરફથી ગભરાટ ભર્યો ફોન આવ્યો અને તેમનો
અવાજ ધ્રૂજતો હતો. તેમણે તેમને જાણ કરી કે આંતરરાષ્ટ્રીય પાણીમાં હોવા છતાં ઈરાની રિવોલ્યુશનરી
ગાર્ડ્સ દ્વારા તેમના જહાજનો પીછો કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ લાઇન ડિસ્કનેક્ટ થઈ હતી. ઈરાની નૌકાદળે કથિત રીતે ઉશ્કેરણી વિના
ગોળીબાર કર્યો, ટેન્કર જપ્ત કર્યું અને
10 ભારતીય ખલાસીઓને રહસ્યમય રીતે ગાયબ કરી નાંખ્યા હતા. દોઢ મહિનાથી
વધુ સમય વીતી ગયો છે પરંતુ આ ખલાસીઓ તેમના પરિવારો કે બહારની દુનિયાનો સંપર્ક કરી શક્યા
નથી. કથિત ટેન્કર દુબઈ સ્થિત ગ્લોરી ઇન્ટરનેશનલ એફઝેડ એલએલસી દ્વારા સંચાલિત છે. કેપ્ટન
પરમારના જણાવ્યા મુજબ ઈરાને જહાજ પર છ મિલિયન લિટર ડીઝલની દાણચોરીનો ખોટો આરોપ લગાવ્યો
છે.