ગાંધીધામ, તા. 16 : આધોઈ સોપારીકાંડના પકડાયેલા
સાત શખ્સ પૈકી બે આરોપીના વધુ એક દિવસના રિમાન્ડ
પૂર્ણ થતાં તેમને જેલહવાલે કરાયા હતા. આધોઈમાંથી સરહદી રેન્જની સાયબર ક્રાઈમ પોલીસે
1.06 કરોડની સોપારી સાથે સાત શખ્સને
પકડી પાડયા હતા. જે પૈકી પાંચના ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં તેમને જેલહવાલે કરાયા
હતા તેમજ આનંદ અને એઝાઝના એક દિવસના વધુ રિમાન્ડ આજે પૂર્ણ થતાં તેમને પણ જેલહવાલે
કરવામાં આવ્યા હતા. દરમ્યાન આનંદે તેનો માલ વેચવા કાઢયો હતો તેમજ એઝાઝ કોની સાથે વાત
કરીને માલ લેવા અમદાવાદથી કચ્છમાં આવી પહોંચ્યો હતો. અમદાવાદમાં સોપારીનો મોટો વ્યવસાય
કરનાર આ શખ્સ કોના સંપર્કમાં હતા, તે સહિતના
પ્રશ્નો બહાર આવ્યા છે, જેની છાનબિન પોલીસે હાથ ધરી છે તેમજ સાયબર
સેલની એક ટીમે આજે કાસેઝની મુલાકાત લેતાં કાસેઝનાં ત્રણેક યુનિટ બંધ મળ્યા હોવાનું
બહાર આવ્યું હતું. શંકાના દાયરામાં રહેલા યુનિટના
માલિક કોણ ? કબજો કોની પાસે છે? કેટલા સમયથી
યુનિટ ચાલે છે? છેલ્લા એક વર્ષમાં આવેલા શિપમેન્ટ કેટલા?
વગેરે સવાલો અંગે પણ કડકાઈથી તપાસ કરવામાં આવી રહી છે. આ પ્રકરણમાં સી.સી.ટી.વી.ના
ફૂટેજ મેળવવા સહિતની આગળની તપાસનો દોર ચાલુ રાખવામાં આવ્યો હોવાનું સપાટી ઉપર આવ્યું
હતું.