નવી દિલ્હી, તા. 16 : વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ શુક્રવારે જણાવ્યું હતું કે, ભારત આજે વિશ્વભરમાં સ્ટાર્ટઅપના મોરચે ત્રીજું સ્થાન ધરાવે છે. 10 વર્ષ પહેલાં ભારતમાં 500થી ઓછા સ્ટાર્ટઅપ હતા, પરંતુ આજે આપણા દેશમાં બે લાખથી વધુ સ્ટાર્ટઅપ્સ
છે. રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ નિમિત્તે વડાપ્રધાને કહ્યું હતું કે, દેશના યુવાનોએ આજે ખરી સમસ્યાઓ ઉકેલવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. નવાં
સ્વપ્નો જોવાનું સાહસ બતાવનાર આજની યુવા પેઢીની
પ્રશંસા કરું છું, તેવું મોદીએ નવી દિલ્હીના ભારત મંડપમ્માં
જણાવ્યું હતું. સ્ટાર્ટઅપ ઈન્ડિયા અભિયાનને 10 વર્ષ પૂરાં થવા પ્રસંગે વડાપ્રધાને જણાવ્યું હતું કે, આવનારાં
10 વર્ષમાં નવાં સ્ટાર્ટઅપ, ટેક્નોલોજીના ક્ષેત્રોમાં ભારત વિશ્વનું નેતૃત્વ
કરે, તે આપણું લક્ષ્ય હોવું જોઈએ. એક સમયમાં કારોબાર કરવા સંપન્ન
પરિવારોના સંતાનો માટે જ શક્ય હતા. મધ્યમવર્ગ અને ગરીબ કુટુંબોનાં બાળકો માત્ર નોકરીનાં
જ સ્વપ્ન જોઈ શકતાં. સ્ટાર્ટઅપ ઈન્ડિયાએ આ સ્થિતિ જ બદલી નાખી છે. આજે સામાન્ય માણસના
સંતાનો સ્ટાર્ટઅપનાં સ્વપ્ન જોઈ શકે છે. દરમ્યાન કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી
પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, અનુમાન અનુસાર દેશમાં સ્ટાર્ટઅપ્સનાં
માધ્યમથી 21 લાખથી વધુ
નોકરીઓ અપાઈ છે.