નવી દિલ્હી, તા. 4 : ઓલિમ્પિકમાં અલ્જિરિયાઈ બોક્સર ઈમામ ખલીફનો
બ્રોન્ઝ મેડલ પાક્કો થયો છે. ખલીફને તેની જાતી અંગે સોશિયલ મીડિયામાં ભારે આલોચનાનો
સામનો કરવો પડયો હતો, તેમ છતાં શાનદાર પ્રદર્શન કરતાં મહિલાઓના 66 કિલો વર્ગના ક્વાર્ટર
ફાઇનલમાં હંગેરીની એના લુકા હામોરીને 5-0થી હરાવી હતી. ખલીફને ઈટાલીની એન્જેલા કેરિની
સામે મુકાબલા બાદથી આંતરરાષ્ટ્રીય સ્તરે આલોચનાનો સામનો કરવો પડયો હતો. કેરિનીએ માત્ર
46 સેકન્ડમાં જ મુકાબલો જીતી લીધો હતો. ત્યારબાદ પ્રતિબંધિત ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિયેશને
દાવો કર્યો હતો કે ખલીફ ગયા વર્ષે મહિલાઓની સ્પર્ધા માટે એક ટેસ્ટમાં નિષ્ફળ રહી હતી.
જો કે ખલીફ ક્યા ટેસ્ટમાં નિષ્ફળ રહી હતી તે કહ્યું નહોતું. કેરિનીએ મેચ છોડતા જ લૈંગિક
ઓળખ અને નિયમો અંગે ચર્ચા શરૂ થઈ હતી. ઈમામ ખલીફ બોક્સિંગમાં મેડલ મેળવનારી અલ્જિરિયાની
પહેલી મહિલા છે. હામોરી ઉપર જીત બાદ ખલીફે દર્શકોનું અભિવાદન કર્યું હતું અને પોતાની
ભાવના રોકી શકી નહોતી. તેણે પોતાની ટીમને ગળે લગાડી હતી અને રોવા લાગી હતી. હવે સેમીફાઇનલમાં
થાઇલેન્ડની જનજેમ સુવાન્નાફેંગ સામે ખલીફનો મુકાબલો થશે.