• શનિવાર, 27 જુલાઈ, 2024

`આવજે' નાટકથી રાતે ગાજે છે ગામડાં

મુંદરા, તા. 20 : મુંબઈ સ્થિત કચ્છી વીશા ઓસવાળ સેવા સમાજ દ્વારા કચ્છમાં શુક્રવારે મસકા ગામથી શરૂ થયેલા નાટકોના દોરને જબરદસ્ત સફળતા મળી રહી છે અને અલગ અલગ નવ ગામડાંમાં થઈ રહેલાં આયોજનમાં ઠંડીની મોસમની શરૂઆત વચ્ચે પણ લોકો મોટી સંખ્યામાં ઊમટી રહ્યા છે. સેવા સમાજના અમૃત વર્ષ અંતર્ગત વર્ષોની પરંપરાને અનુસરતા કરાઈ રહેલાં આ આયોજનમાં આ વર્ષે વડીલો પ્રત્યે સંતાનોની જવાબદારી અને સેવા માટે નાટકનાં મધ્યમથી પ્રેરિત કરીને સામાજિક જાગૃતિનું અભિયાન ચાલી રહ્યું છે. સામાજિક જાગૃતિના આ સમગ્ર આયોજનમાં કચ્છમિત્ર અખબાર મીડિયા પાર્ટનર તરીકે યોગદાન આપી રહ્યું છે. હાલમાં આયોજિત નાટકોની શ્રેણીમાં સાંસ્કૃતિક સમિતિની ટીમ જહેમત ઉઠાવી રહી છે. કન્વીનર રાજેશ છેડાના વડપણ હેઠળની આ ટીમમાં કો. કન્વીનર દીપેશ છેડા, મધુબેન લાલન, નિશા ભેદા, અમીશા છેડા, રિદ્ધિ વોરા, માનસી ગડાનો સમાવેશ થાય છે. આ `આવજે' નામના નાટકનું સ્વરાંકાન હિમાંશુ સંગોઈ, નિશા ભેદા, ઋદ્રિક મિસ્ત્રીએ કર્યું છે, જ્યારે કોરીઓગ્રાફી માનસી ગડાની છે. ડો. ઈલાબેન દેઢિયા, અશ્વિન માલદે, લક્ષ કેનિયાએ નાટકના કથા લેખનમાં મહત્ત્વના સૂચન આપ્યા છે. આ સિવાય સંસ્થાની વરિષ્ઠ સમિતિ, અધિકારીઓ અને નાટકના ડાયરેક્ટર વિજય ગાલા અને ઋષભ છેડા સાથે ભાગ લેનારા કલાકારો સફળતા માટેની મહત્ત્વની ભૂમિકામાં છે. ઉલ્લેખનીય છે કે, ક.વી.ઓ. સેવા સમાજ એક પછી એક સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ શરૂ કરતો રહ્યો છે, જેમાં છેલ્લા 65 વર્ષથી ચાલતી બુક બેન્ક શિરમોર સમી છે. આ ઉપરાંત સમૂહલગ્ન, હાઉસિંગ લોન, મેડિકલ સહાય, સંજીવની વીમા યોજના, સ્ત્રી ઉત્કર્ષ યોજના, કોમ્પ્યુટર લોન, વિદેશ જતા વિદ્યાર્થીઓ માટે સેમિનાર, ક્રિકેટ, વોલીબોલ, ફૂટબોલ, બાસ્કેટ બોલ, વક્તૃત્વ સ્પર્ધા, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતની પ્રવૃત્તિઓ સમાજ દ્વારા સમયાંતરે હાથ ધરાય છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang